@મહાપાલિકા: ઢાંકણીમાં પાણી હોય તો…!!!
નિયમોનું હળાહળ ઉલ્લંઘન કરીને રસ્તા પર ખડકાયેલી રેંકડીમાં બની રહેલી ઈંડાની, ખુલ્લેઆમ લટકતી નોનવેજની વાનગીઓ જોઈને લોકોની લાગણી હળાહળ દૂભાઈ રહી છે છતાં તંત્રમાં આ દૂષણને બંધ કરાવવાની ત્રેવડ જ નથી ?!
હાઈકોર્ટના આદેશ બાદ મહાપાલિકાની ઢોરપકડ પાર્ટી રાત-દિવસ કામગીરી કરી શકતી હોય તો પછી ફૂડ શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને વિજિલન્સ શાખા પણ કોર્ટના આવા જ ચુકાદાની રાહ જોઈને બેઠી હશે ?
શું તંત્ર ઈંડા-નોનવેજના ધંધાર્થીથી એટલું બધું ડરી ગયું છે કે આ દૂષણને ડામવા માટે મેદાને નથી ઉતરતું કે પછી તેમને કોઈ રોકી રહ્યું છે ?
વૉઈસ ઑફ ડે, રાજકોટ
રાજકોટ અને તેમાં પણ ખાસ કરીને મહાપાલિકા તંત્ર માટે શરમજનક કહી શકાય તે રીતે શહેરમાં ચારેય બાજુ નિયમની ધજ્જીયા ઉડાવીને ઈંડા-નોનવેજની રેંકડીઓ ખડકાઈ ગયેલી છે જેને હટાવવામાં બધા જ નિષ્ફળ જઈ રહ્યા હોવાથી હવે ભદ્ર સમાજ છડેચોક કહી રહ્યો છે કે તો પછી મહાપાલિકાએ ઢાંકણીમાં પાણી હોય તો…!! (આગળનો શબ્દ વાંચકો તેમજ તંત્રના જવાબદારો સમજી જ ગયા હશે) લોકો કહેવા લાગ્યા છે કે મન પડે ત્યાં રેંકડી રાખીને ઈંડાની વાનગીઓ કોઈ પ્રકારની આડશ રાખ્યા વગર કે વાનગી બનતી જોઈને લોકોની લાભણી ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કર્યા વગર બની રહી છે તો રેંકડીમાં ખુલ્લેઆમ માંસ-મટન ટીંગાઈ રહેલું છે છતાં તંત્રમાં આ દૂષણને દૂર કરવાની ત્રેવડ જ રહી નથી ?
થોડા સમય પહેલાં ગુજરાત આખામાં ઢોરની ઢીકે અનેક લોકો મૃત્યુ પામ્યા-ઘાયલ થતાં જ હાઈકોર્ટે આકરાં પાણીએ થઈને સરકારને ઝાટકતાં આ દિશામાં ગંભીર હાથે કામ લેવાનો આદેશ આપતાં જ તંત્રએ રાઉન્ડ ધ ક્લોક મતલબ કે ૨૪ કલાક ઢોર પકડવાનું શરૂ કરી દીધું હતું. આ વાતને એક મહિનો થઈ ગયો અને કામગીરી ચાલી જ રહી છે ત્યારે શું મહાપાલિકાનું તંત્ર (જેને હવે લોકો નીંભર કહેવા લાગ્યા છે) પણ હાઈકોર્ટ દ્વારા જ આ પ્રકારે ચુકાદો આવે પછી દૂષણ દૂર કરશું તેની રાહ જોઈને બેઠું હશે કે કેમ ? તેવા સવાલો ઉઠાવતાં થઈ ગયા છે. ખાસ કરીને આ દૂષણ દૂર કરવાની જવાબદારી મહાપાલિકાની ફૂડ શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને વિજિલન્સ શાખાની છે પરંતુ એકેય શાખામાં હિંમત જ બચી ન હોય તેવી રીતે આ દૂષણ દૂર કરાવવું તો દૂર પરંતુ તેની સામું જોવાની પણ તસ્દી લઈ રહ્યા નથી. જેટલા જવાબદાર અધિકારીઓ છે એટલા જ જવાબદાર પદાધિકારીઓ પણ છે જેઓ આ તમાશો મુંગા મોઢે નિહાળી રહ્યા છે.
એવા આક્ષેપો પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે કે શું તંત્રને તેની જ કામગીરી કરતાં કોઈ રોકી રહ્યું હશે ? શું તંત્ર કોઈનું દબાણ અનુભવતું હશે ? શું તેથી જ કામગીરી કરવામાં આવી રહી નથી ? આ સહિતના સવાલોના જવાબ મહાપાલિકા તંત્ર આકરાં પાણીએ બનીને દૂષણને દૂર કરવા માટે કડક હાથે કામ લ્યે તો જ મળી શકે તેમ છે અન્યથા એ દિવસો દૂર નથી કે જ્યારે લોકોની ડેલી પાસે કોઈ ઈંડા-નોનવેજની રેંકડી ખડકાઈ જશે પરંતુ તેને દૂર કરવાની જહેમત તંત્ર ઉઠાવી શકશે નહીં !!!
ધારાસભ્યો-સાંસદો શા માટે રસ નથી લેતા, શું તેમને કશી જ પડી નહીં હોય?
જ્યારે મત લેવાની વાત આવે ત્યારે લોકોની વચ્ચે આવીને `વિકાસ’ના બણગા ફૂંક્યે રાખતાં ધારાસભ્યો અને સાંસદો આ દિશામાં ક્યારેય તંત્રને આદેશ આપી શકવા માટે સક્ષમ રહ્યા નથી ? આ સવાલો ઉઠાવીને શહેરીજનો પૂછી રહ્યા છે કે શું સાંસદો કે ધારાસભ્યોને લોકોની લાગણી અને માંગણીની કશી જ પડી નહીં હોય ? આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મુદ્દો ધારાસભ્યો-સાંસદોને છડેચોક પૂછવાનું પણ અનેક મતદારો મન બનાવી ચૂક્યા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
હદ થઈ ગઈ: ઈંડા-નોનવેજની રેંકડી પાસેથી પસાર થાય એટલે આંખો બંધ થઈ જાય એટલો મસાલો ઉડે છે !
ઈંડા-નોનવેજની વાનગી વેચતા ધંધાર્થીઓને જાણે કે લોકોની લાગણીની કોઈ જ પરવા ન હોય તેવી રીતે ખુલ્લેઆમ તરેહ તરેહની વસ્તુઓ બનાવી રહ્યા હોય છે બરાબર ત્યારે જ કોઈ વ્યક્તિ વાહન લઈને પસાર થાય એટલે રીતસર તેની આંખો બળવા લાગે અથવા તો આંખો બંધ થઈ જાય તેટલી હદે મસાલો ઉડતો હોવાથી લોકો સમસમી જાય છે. જો કે તંત્રને આ બાબતે કશી જ પડી ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.