બે પેટ્રોલપંપ મંજૂરીના બહાને 51 હજારની છેતરપિંડી
યુવાને ગૂગલ ઉપર સર્ચ કરતા ગઠીયાએ ફોન કરી ફસાવ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના ધરમનગર સોસાયટી, શેરી નં.૧, રામાપીર ચોકડી પાસે રહેતા અવિ અરૂણભાઈ મકવાણા નામના યુવાનને ભારત પેટ્રોલિયમના અધિકારી તરીકે ઓળખ આપી બે પેટ્રોલપંપ દેવાની લાલચ આપી 51 હજારની છેતરપિંડી થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે.
આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે તે ઓફિસ ધરાવતા અવિ મકવાણાને પેટ્રોલપંપ શરૂ કરવો હોવાથી ગૂગલમાં ભારત પેટ્રોલિયમની સાઈટ સર્ચ કરી હતી. તેના ત્રણેક દિવસ બાદ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ભારત પેટ્રોલિયમના અધિકારી તરીકે કયા લોકેશન ઉપર પેટ્રોલપંપ શરૂ કરવો છે તેમ હિન્દીમાં વાતચીત કરી એક પીડીએફ ફાઈલ મોકલી હતી. જેમાં જણાવેલ ડોકયુમેન્ટ મોકલ્યા તેમાં બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ પણ મોકલ્યું હતું. તેના ત્રણેક દિવસ બાદ તેજ ગઠીયાએ તેને કોલ કરી ડોકયુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું અને પેટ્રોલપંપની મંજુરી મળી ગયાનું કહી, મેઈલ આઈડીમાં જે બેન્ક ખાતાની ડિટેઈલ આવે તેમાં ડિપોઝીટ પેટે રૂ. ૨૫,૫૦૦ જમા કરાવવાનું કહ્યું હતું. જેથી બેન્કે જઈ આરટીજીએસથી ગઠીયાએ કહેલા બેન્ક એકાઉન્ટમાં રૂ. ૨૫૫૦૦ મોકલી આપ્યા હતા. ભેજાબાજે ફરી વખત ફોન કરી કહ્યું કે તેને એક પેટ્રોલપંપની જ મંજુરી મળી છે. જયારે વાસ્તવમાં તેણે બે પેટ્રોલપંપ માટે અરજી કરી હતી. જેથી ગઠીયાએ બીજા પેટ્રોલપંપના લોકેશનની વિગતો મંગાવી હતી. તેના માસી નિશાબેન જગદિશભાઈ વાઘેલાના નામની બીજી અરજી કરી હતી. અને બીજી વખત રૂ. ૨૫,૫૦૦ આરટીજીએસથી મોકલી આપ્યા હતા.
ત્યારબાદ બંને પેટ્રોલપંપ મંજુર થઈ ગયાનો મેલ મોકલી રૂ. ૧.૦૭ લાખ ભરવા અંગે જાણ કરી હતી જોકે આ મેઈલ આવ્યા બાદ તેને શંકા જતાં અવિ મકવાણાએ લીમડા ચોકમાં આવેલી ભારત પેટ્રોલિયમની ઓફિસે રૂબરૂ જઈ તપાસ કરતાં તેના અધિકારીઓએ કંપની તરફથી આવી કોઈ વિગતો મોકલવામાં આવતી નહિ હોવાનું જણાવ્યું જેથી આ અંગે સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી.