બૂમ…બૂમ: રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સવારે ૧૧ વાગ્યે ઈ-મેઈલ મળતાં જ સીઆઈએસએફ સહિતની એજન્સી હાઈએલર્ટ મોડ' પર પેટા: એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્કવોડે દોઢ કલાક સુધી એરપોર્ટનો ખૂણો ખૂણો ચકાસી લીધો, કશું વાંધાજનક ન મળ્યું કોઈ ટીખળખોરનું કારસ્તાન હોવાની આશંકા: વડોદરા એરપોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળતાં દોડધામ
છેલ્લા ઘણા સમયથી દેશના અલગ-અલગ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળી રહ્યા છે જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ થઈ પડતી હોય છે. દરમિયાન રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને પહેલી વખત આ પ્રકારની ધમકી મળતાં જ સૌના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. સવારે ૧૧ વાગ્યે સીઆઈએસએફના ઈ-મેઈલ આઈડી ઉપર એક મેઈલ આવ્યો હતો જેમાં
બૂમ બૂમ’ સહિતનું લખાણ અંગ્રેજીમાં લખીને ધમકી આપવામાં આવી હતી. આ પ્રકારનો ઈ-મેઈલ મળતાં જ સુરક્ષા એજન્સી `હાઈ એલર્ટ મોડ’ પણ મુકાઈ ગઈ હતી અને ચેકિંગ શરૂ કરી દીધું હતું.
આ પ્રકારનો ઈ-મેઈલ આવ્યાની જાણ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્કવોડ સહિતનાને કરાતાં તાત્કાલિક અલગ-અલગ ટીમ એરપોર્ટ પર દોડી ગઈ હતી અને દરેક જગ્યાનું ચેકિંગ શરૂ કરી દીધું હતું. અંદાજે દેોઢેક કલાક સુધી એરપોર્ટનો ખૂણો ખૂણો ચકાસી લીધા બાદ કશું જ વાંધાજનક મળી આવ્યું ન હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટી દ્વારા દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા જડસેબલાક કરી દેવામાં આવી હતી અને દરેક પેસેન્જર તેમજ તેની પાસે રહેલા સામાનનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
દરમિયાન આ જ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેઈલ વડોદરા એરપોર્ટને લઈને પણ આવ્યો હોવાથી ત્યાંના તંત્રમાં પણ દોડધામ થઈ પડી હતી. એકંદરે બન્ને એરપોર્ટ ઉપર કશું વાંધાજનક નહીં મળતાં સુરક્ષા એજન્સીઓએ રાહતના શ્વાસ લીધા હતા.
હવે આ પ્રકારનો ઈ-મેઈલ ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સાયબર ક્રાઈમની મદદ લેવામાં આવશે. ઈ-મેઈલમાં જે પ્રકારે લખાણ લખવામાં આવ્યું છે તેને જોતાં આ કોઈ ટીખળખોરનું કારસ્તાન હોવાની શક્યતા નકારી શકાતી નથી આમ છતાં ધમકીને હળવાશથી લેવાની જગ્યાએ ગંભીરતાથી લઈને સુરક્ષા-વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી હતી.