બહુમાળી ભવનમાં દાખલા કાઢવા માટે વધુ કાઉન્ટર શરૂ કરાશે
એડમિશનની સીઝનમાં અરજદારોની કતારો સર્જાતા ગ્રામ્ય પ્રાંતને દોડાવતા કલેકટર
રાજકોટ : બોર્ડના રિઝલ્ટ આવતા જ રાજકોટ શહેરમાં નોન ક્રીમીલેયર અને જાતિ અંગેના દાખલા કઢાવવા માટે બહુમાળી ભવનમાં ત્રણ બારીઓ કાર્યરત હોવા છતાં પણ ખુબ જ ધસારો રહેતા રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા અરજદારોની સુવિધા માટે વધારાની બારીઓ ખોલવામાં આવશે તેમજ વર્તમાન સુવિધા મામલે તપાસ કરવા જિલ્લા કલેકટરે ગ્રામ્ય પ્રાંતને દોડાવ્યા હોવાનું જાણવા મળે છે.
ધો.10 અને 12ના પરિણામો બાદ ઉચ્ચ અભ્યાસાર્થે નોન ક્રિમીનલ પ્રમાણપત્ર તેમજ જાતિ અંગેના દાખલા કઢાવવા માટે શહેરની ચાર મામલતદાર કચેરી અને બહુમાળી ભવન ખાતે વ્યવસ્થા હોવા છતાં પણ અરજદારોનો ધસારો વધુ પ્રમાણમાં રહેતા લોકોને ધોમધખતા તાપમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોય વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતા આ ફરિયાદ છેક જિલ્લા કલેકટર સુધી પહોંચી છે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સમગ્ર મામલે ગ્રામ્ય પ્રાંત અધિકારીને બહુમાળીભવન ખાતે દોડાવી વધારાની બારી ખોલવા સહિતની વ્યવસ્થા ગોઠવવા જરૂરી સૂચના આપી હોવાનું જાણવા મળે છે.