પતિના કર્યા પત્નીને નડ્યા ! કોર્પોરેટર દેવુબેન પાસેથી સમિતિનો હોદ્દો છીનવાયો
ગોકુલનગરમાં ગરીબો માટે બનેલા આવાસ ઘરનાને પધરાવી દીધાના આક્ષેપો વચ્ચે કરાયેલી કાર્યવાહી: દેવુબેન જાદવનું મનપાની કાયદો-નિયમન સમિતિના ચેરમેનપદેથી રાજીનામું
અન્ય મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતર સામે પણ તોળાતી કાર્યવાહી: બન્નેને મનપા કચેરી, કાર્યક્રમોમાં નો-એન્ટ્રી
શહેરના વોર્ડ નં.૬માં આવેલા ગોકુલનગર વિસ્તારમાં ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસમાંથી ૨૦ જેટલા ક્વાર્ટર `સેટિંગ’ કરીને ઘરનાને પધરાવી દીધાનું કારસ્તાન વોર્ડ નં.૫ના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતર અને વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવે આચરતા આખરે ભાજપે બન્ને કોર્પોરેટર સામે આકરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા સૌથી પહેલાં દેવુબેન જાદવ પાસે રહેલો મનપાની કાયદા-નિયમન સમિતિના ચેરમેનનો હોદ્દો પરત લઈ લીધો છે. આ ઉપરાંત વજીબેન ગોલતર સામે પણ આકરી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવાસ યોજનામાં કૌભાંડ થયું છે કે નહીં તેની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરી છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ બન્ને કોર્પોરેટરો સામે કેવી કાર્યવાહી કરવી તેનું માર્ગદર્શન પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે. જો કે તેના પહેલાં દેવુબેન જાદવ પાસેથી ચેરમેનનો હોદ્દો પરત લઈ લેવામાં આવ્યો છે સાથે સાથે વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને મહાપાલિકા કચેરી તેમજ સરકારી કાર્યક્રમોમાં એન્ટ્રી અપાશે નહીં.
કૌભાંડની વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરો: કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા આવાસ કૌભાંડ મામલે મહાપાલિકા કચેરીમાં સૂત્રોચ્ચાર કરી નાયબ મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે આ કૌભાંડની વિજિલન્સ મારફતે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. જો ૧૫ દિવસમાં આ અંગે કાર્યવાહી કરાશે નહીં તો ધરણા સહિતના કાર્યક્રમો અપાશે.