નકલીટોલ નાકાની ફરિયાદ PMO સુધી થઈ ચૂકી છે
તારીખ: 28/04/2022ના રોજ દિલીપભાઈ કરશનભાઈ વાઢેરે કરેલી અરજી છતાં કોઈ કાર્યવાહી ન થઈ અને ટોલનાકું ધમધમતુ રહ્યું: નકલી ટોલનાકામાં ભાજપના નેતાઓની ભૂંડી ભૂમિકા
વોઇસ ઓફ ડે રાજકોટ
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા પાસે નક્લી ટોલનાકા મુદ્દે આખરે પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ આ ટોળકી હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ પાંચેય શખ્સો વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકુ ચલાવી રહ્યા હતા અને વાહનચાલકો પાસેથી ઉઘરાણા વસુલતા હતા. આ મામલે દોઢ વર્ષ પૂર્વે જ વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને વઘાસિયા ગામના ખેડૂત દિલીપભાઇ કરશનભાઈ વાઢેરે લેખિત ફરિયાદ કરી હોવાં છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મીડિયામાં અહેવાલ પ્રકાશીત થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે દોઢ વર્ષથી ચાલતા આ ટોલનાકા બાબતે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને અને શું પોલીસને જાણકારી જ ન હતી કે પછી ભાજપ સરકાર પોતાના મળતીયાઓને પ્રજાને લૂંટવાનો છુટ્ટો દૌર આપી દીધો હતો.
વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં જીલ્લા કલેકટર અને એસપીની સુચનાથી ટીમની રચના કરવામાં આવી હોય જે પ્રાંતઅધિકારીના માર્ગદર્શન હેઠળની સંયુક્ત ટીમે સ્થળ પર તપાસ કરવા ઉપરાંત મીટીંગ યોજી હતી અને હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકા એજન્સીના સ્ટાફના નિવેદનો લીધા હતા અને પંચરોજકામ કરવામાં આવ્યું હતું તો સિરામિકમાંથી પસાર થતો ગેરકાયદે ટોલવાળો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે અને સિરામિક ફેક્ટરી અંદર પડતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પંચરોજકામ કરી તલસ્પર્શી અભ્યાસ કરી રીપોર્ટ વહેલી તકે કલેકટરને સોપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વઘાસિયા ગામના ખેડૂત દિલીપભાઈ કરશનભાઈ વાઢેર દ્વારા ગત તા તારીખ: 28/04/2022ના રોજ વડાપ્રધાન કાર્યાલય નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી એસ. એચ. નીતિન જયરામ ગડકરીને લેખિતમાં ફરિયાદ કરી હતી જેમાં વઘાસીયા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચોરી અટકાવવા જણાવ્યું હતું. દિલીપભાઈ કરશનભાઈ વાઢેરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અમે NH 27 પાસેના વઘાશિયા ગામમાં રહીએ છીએ અને હું વઘાસિયા ટોલ પ્લાઝા પાસે કામ કરું છું. વઘાશીયા ટોલ પ્લાઝામાં અનેક ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાનું મારું નિરીક્ષણ છે. આ લોકો ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે અલગ બાયપાસ રોડ બનાવે છે. આ ઉબડખાબડ રસ્તો મારા ખેતરની નજીક છે. આ પ્રવૃત્તિની ધૂળને કારણે અમે અમારા ખેતરમાં પાક લઈ શકતા નથી. 24 કલાક દરમિયાન ઓછામાં ઓછા 2000 વાહન પસાર થાય છે. જો આપણે તેના ટોલ ટેક્સની ગણતરી કરીએ તો તે દરરોજ ઓછામાં ઓછા 10 (દસ) લાખ રૂપિયા હશે. સરકાર પાસેથી દરરોજ રૂ. 10 (દસ) લાખ ટોલ ટેક્સની ચોરી થાય છે અને વાર્ષિક ટોલ ટેક્સનું નુકસાન ઓછામાં ઓછું 36 થી 50 લાખ છે. હું દરરોજની લઘુત્તમ રકમની ગણતરી કરું છું. આ અરજી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી હોવા છતાં સરકારે જાણી જોઈને આખ આડા કાન કરી આ ભ્રષ્ટાચાર ચાલવા દીધો કારણ કે આ કૌભાંડમાં ભાજપના જ અગ્રણી અને પાટીદાર અંગ્રણી સિદસર ઉમિયા ધામના પ્રમુખના પુત્ર જ આ ટોલનાકું ચલાવતા હતા. ભાજપની સરકાર અને ભાજપના જ આગેવાન કાર્યકરો આ નકલી બનાવટી ટોલનાકુ બનાવી ઉઘરાણા કરતા હતા તેથી આ દિલીપભાઇની આ અરજીને અનદેખી કરવામાં આવી. ભાજપ સરકારની મીઠી નજર થી વઘાસીયા નજીક ચાલતા ગેરકાયદેસર ટોલનાકાઓ ભાજપના જ કાર્યકરો મારફત ચાલતા હોય અને આમાં મોટામાથાઓ સંડોવાયેલ હોય ત્યારે ભાજપનાચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદસભ્ય આ બાબત કોઈ કાર્યવાહી કરવાની વાત કરશે ખરા કે પોતાના ભાજપ પક્ષના આગેવાન કાર્યકરોએ સરકારને ચૂનો લગાડેલ છે એટલે ચૂપ જ રહેશે? તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.
