ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપર હ્રદયરોગનો હુમલો : બ્રીચ કેન્ડીમાં સારવાર હેઠળ
આજે સ્ટેન્ટ બેસાડાશે : તબિયત સુધારા ઉપર હોવાનો તબીબોનો મત
રાજકોટ
રાજકોટ દક્ષિણનાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને હ્રદયરોગનો હુમલો આવતા પહેલા રાજકોટ અને પછી વધુ સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવાયા છે. રમેશભાઈની હાલત સુધારા ઉપર છે પરંતુ ડોક્ટરોના સતત ઓબ્ઝર્વેશનમાં છે.
રમેશભાઈ ટીલાળાનાં પારિવારિક સુત્રોના જણાવ્યા અનુસાર, રમેશભાઈને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને શુક્રવારે તેમના ઉપર સ્ટેન્ટ બેસાડવામાં આવશે.
રમેશભાઈ ટીલાળા ગઈ રાત્રે રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં તેમને બેચેની જેવું લાગતું હતું તેથી તેમને તાત્કાલિક તબીબ પાસે લઇ જવાયા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમ તો તેમના ઉપર હ્રદયરોગનો હળવો હુમલો જ આવ્યો છે આમ છતાં અગમચેતીના પગલાં રૂપે તેમને વધુ સારવાર માટે મુંબઈ લઇ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય થયા પછી રમેશભાઈ પ્રજાકીય કામો માટે સતત દોડતા રહ્યા છે અને પોતાના જ સ્વાસ્થ્ય બાબતે બેદરકાર રહ્યા છે. આવા સંજોગોમાં ગઈ રાત્રે તેમના ઉપર આવેલો હ્રદયરોગનો હળવો હુમલો એક એલાર્મ સમાન છે.
