ત્રાસ-દહેજના કેસમાં પતિ અને સાસુ, સસરાનો નિર્દોષ છુટકારો
રાજકોટ મહિલા પોલીસ મથકમાં પરિણિતાએ પોતાના પતિ તેમજ સાસુ, સસરા સામે મારા-મારી અને દહેજ માગવાનો આક્ષેપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં અદાલતે 5 વર્ષ બાદ પતિ ધર્મેન્દ્રસિંહ પરમાર અને તેમના માતા, પિતાને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આ કેસની હકિકત મુજબ, વર્ષ 2020 માં મહિલા પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાના પત્નીએ પતિ તેમજ સાસુ સસારા સામે ગાળો આપી મારકૂટ કરી ત્રાસ આપી દેહજની માંગણી કરી હોવાના આક્ષેપો વાળો ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે આઇ.પી.સી 498(a), ૩૨૩,૫૦૪,૧૧૪ તેમજ દહેજ પ્રતિબંધ ધારાની કલમ ૩,૪ હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે પુરાવા મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

કેસ ચાલવા પર આવતા આરોપીઓના વકીલ દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસમાં પોલીસ અધિકારીએ સ્વીકારેલ કે , પડોશીના નિવેદન લેવામાં આવેલ નથી તેમજ તપાસમાં પતિ દારૂ પીતો હોય તેવા કોઈ પુરાવા મળી આવેલ નથી. વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદીના પિતા નિવૃત પોલીસ અધિકારી હોય જેથી પોલીસે એકતરફી તપાસ કરેલી છે. બંને પક્ષકારોની રજૂઆતો અને દલીલોના અંતે અદાલતે આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેમના માતા-પિતાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ કુલદીપસિંહ.બી.જાડેજા, જ્યોત્સનાબા.પી.જાડેજા, રવિરાજસિંહ પરમાર , ભૂમિલ સોલંકી રોકાયેલ હતા.