ઢેબર રોડ પર ઓમ ડીલક્સ પાન શોપ સીલ: વધુ ૧૬ `પીચકારીબાજ’ પકડાયા
૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ પરથી ૨૭.૮ ટન, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૩.૪ ટન કચરાનો નિકાલ: ગંદકી ફેલાવતાં-કચરો ફેંકતા ૩૨ દંડાયા, ૨ કિલો પ્લાસ્ટિક પકડાયું: બે વોર્ડના વોંકળામાંથી ૨૫ ટન ગારો-કચરો નીકળ્યો
વૉઈસ ઑફ ડે, રાજકોટ
દિવાળીના તહેવારોમાં આંખ બંધ કરીને ગંદકી ફેલાવતી ચા-પાન-નાસ્તાની સાતેક જેટલી દુકાનોને સીલ લગાવી દીધા બાદ આ ઝુંબેશ ઠરીઠામ થઈ ગઈ હતી. જો કે શુક્રવારે અચાનક જ તેને વેગવંતી બનાવવામાં આવી હોય તેવી રીતે ઢેબર રોડ ઉપર આવેલી ઓમ ડિલક્સ પાન શોપને ગંદકી ફેલાવવા બદલ સીલ મારી દેવામાં આવ્યું હતું. આવી જ રીતે મહાપાલિકાના કેમેરાએ જાહેરમાં પાન-ફાકીની પીચકારી મારનારા ૧૬ `પીચકારીબાજ’ને કેમેરામાં કેદ કરી તેમના ઘેર ઈ-મેમો મોકલ્યો છે.
દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ (જ્યાં કચરો સૌથી વધુ ફેંકાતો હોય)ની સફાઈ કરી ૨૭.૮ ટન કચરો, શહેરમાં પ્રવેશવાના તેમજ બહાર નીકળવાના પોઈન્ટની સફાઈ કરીને ૩.૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે જાહેરમાં ગંદકી ફેલાવતાં તેમજ મન ફાવે ત્યાં કચરો ફેંકના ૩૨ લોકો પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી હતી તો અલગ-અલગ જગ્યાએ ચેકિંગ કરીને ૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. જ્યારે વૉર્ડ નં.૧૪ અને ૧૬માં આવેલા વોંકળાની સફાઈ કરી ૨૫ ટન ગારો તેમજ કચરો બહાર કાઢવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.