જે.એમ જે. ગ્રુપના આંગણે 101 દીકરીના જાજરમાન સમૂહલગ્નની તૈયારીનો ધમધમાટ શરૂ
- લગ્નોચ્છુક દીકરીઓ માટે ફોર્મ વિતરણનો મંગલ પ્રારંભ
- સર્વજ્ઞાતીય 101 દીકરીને લખેણો કરિયાવર
- મયુરધ્વજસિંહ એમ જાડેજાનું રજવાડી ઠાઠ સાથેનું ભવ્ય આયોજન\
રાજકોટ
બિલ્ડિંગ વ્યવસાય ક્ષેત્રે નામાંકીત જે.એમ.જે. ગ્રુપનાં ઉપક્રમે આવનારા માર્ચ માસમાં “વ્હાલીના વધામણાં, કન્યાદાન” અંતર્ગત સર્વજ્ઞાતિય 101 દીકરીના સમૂહલગ્ન સમારોહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે.એમ.જે. પ્રોજેક્ટ ગ્રુપના એમ.ડી. મયુરધ્વજસિંહ એમ જાડેજાએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું છે કે, ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલીની પરંપરામાં મધ્યમવર્ગના પરિવારો માટે સાંપ્રત સમયમાં સમૂહલગ્ન લોકજન હિતાર્થે આશીર્વાદ રૂપ છે. છેલ્લા 3 વર્ષોથી જે.એમ.જે. ગ્રુપ દ્વારા આયોજિત થતાં જાજરમાન સમૂહલગ્નને સર્વ જન સમાજમાંથી વ્યાપક પ્રતિસાદ મળતો રહ્યો છે. ગત વર્ષે મે માસમાં આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભારતીય પરંપરા મુજબ 101 દીકરીઓને સ્વગૃહે વાળાવવામાં આવી હતી. જે અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિત રાજકીય, સામાજિક, વ્યવસાયિક અગ્રણીઓ અને સાધુ, સંતો – મહંતો નવ દંપતીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે આ વર્ષે પણ 101 દીકરીઓ સાંસરિક જીવનમાં ગૌરવપૂર્ણ રીતે પ્રવેશી શકે અને તેમના પરિજન પણ દીકરીને સ્વગૃહે વળાવ્યાનો હરખ, આર્થિક બોજ ઉઠાવ્યા વિના માણી શકે તે માટે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં તમામ દીકરીઓને સોનાની ચુંક, ચાંદીના સાંકળા, લોખંડની સેટી, ખુરશી, કબાટ, ગાદલું, ઓશિકા સેટ, ઉપરાંત અન્ય જીવન જરૂરી ઘરવખરી જેવી કે, બે ડબ્બા, સ્ટીલના લોટા, ભાતિયું, તપેલી, દૂધની પવાલી, ડીશ સેટ, કોઠી, બાથરૂમ સેટ, કાંસાની થાળી સહિત રસોડાના અસંખ્ય વાસણો તેમજ અન્ય કરિયાવરનો લાખેણો સૌજન્ય ઉપહાર આપવામાં આવશે.
આ જાજરમાન સામાજિક સામૂહિક પ્રસંગને દીપાવવા રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપરાંત નવદંપતીઓને આશીર્વાદ આપવા સંતો, મહંતો પણ ખાસ ઉપસ્થિત રહેશે. ઘર આંગણે જ જાણે દીકરીઓને પરણાવતા હોય તેવા મનોભાવથી આયોજિત આ સમૂહલગ્નમાં બન્ને પક્ષોના માનવંતા મહેમાનોની ઠાઠમાઠથી આગતા સ્વાગતા કરી ભાવતા ભોજનીયા હેતપૂર્વક પીરસવામાં આવશે. તેમ જણાવી મયુરધ્વજસિંહ જાડેજાએ અંતમાં ઉમેર્યું હતું કે, આવનારા થોડા દિવસોમાં જ માર્ચ માસની તારીખ (શુભદિન) અને શુભ સ્થળ વિશે આગોતરી જાણકારી પ્રસિદ્ધ કરવામાં આવશે.આ પ્રસંગે શિવ માનવ સેવા ટ્રસ્ટ વ્યવસ્થા રૂપે ખાડે પગે સેવા આપશે..
ઉલ્લેખનીય છે કે મયુરધ્વજસિંહ જાડેજાએ આ અગાઉ આયોજિત કરેલા 86 દીકરીઓના સમૂહલગ્નમાં જ સ્વયં પોતાનાં લગ્ન પણ કરીને એક દાખલો બેસાડ્યો હતો. એટલું જ નહિ કોરોનાકાળમાં માતા પિતા વિહોણી થયેલી પાંચ બાળકીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની જવાબદારી સ્વીકારીને તેમજ ત્યાર બાદ આજીવન તેવી કન્યાઓના વાલી બની સર્વ સામાજિક જવાબદારી પણ લીધી છે. જે કન્યાઓ આજે મયુરધ્વજસિંહ જાડેજાના વાલીપણા હેઠળ શિક્ષણ મેળવી રહી છે.
આ સમૂહલગ્નમાં પરિણય ઇચ્છુક દીકરીઓના વાલીઓ શિવ માનવ સેવા એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ, ઓફિસ નંબર 39, બીજો માળ, નવું બસ પોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરી ફોર્મ મેળવી શકે છે. વધુ વિગતો માટે મો. નં. 9981052034 અથવા 7201900819નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.