ચોમાસાની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય
હવામાન ખાતાની આગાહી : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવશે
આજથી સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્મટ, આ ત્રણેય સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોડ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 37.61 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 35.02 ટકા ,કચ્છમાં 34.91 ટકા , મધ્ય ગુજરાતમાં 18.95 ટકા વરસાદ વરસ્યો છે તો ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો છે.