ચીફ ફાયર ઑફિસર વગર કામ અટકી પડશે: ઝડપથી મોકલો
ક્લાસ-૧ અધિકારી ઉપલબ્ધ ન હોવાથી ડેપ્યુટેશન પર મોકલવા સરકારને દરખાસ્ત કરતા મ્યુનિ.કમિશનર
ડે.ચીફ ફાયર ઑફિસર તરીકે હાર્દિક ગઢવીને ચાર્જ સોંપાયો, તે ચીફ ફાયર ઓફિસર તરીકે હસ્તાક્ષર કરે તો માન્ય ગણવા કે કેમ ? બધા મુંઝાયા
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફરજમાં લાપરવાહી દાખવનાર ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતાં ફાયર બ્રિગેડ શાખામાં ટોપ-૨ કક્ષાની બન્ને જગ્યા ખાલી પડી ગઈ છે. આ બન્ને જેલમાં જતાં જ ફાયર એનઓસી માટે ફરીથી લોકોને રઝળપાટ કરવાની નોબત આવી છે ત્યારે ચીફ ફાયર ઓફિસરની નિમણૂક સરકાર સ્તરેથી જ થતી હોવાને કારણે તાત્કાલિક કોઈ અધિકારીને ફરજ સોંપવા માટે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ સરકારને દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું.
મ્યુનિ.કમિશનર દેસાઈએ જણાવ્યું કે અત્યારે મનપા પાસે ક્લાસ-૧ અધિકારી ઉપલબ્ધ નથી જેમને ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપી શકાય એટલા માટે સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવી હોવાથી એકાદ-બે દિવસમાં ક્લાસ-૧ કક્ષાના કોઈ અધિકારી ડેપ્યુટેશન પર મહાપાલિકામાં મુકાઈ શકે છે.
જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હાર્દિક ગઢવીને સોંપવામાં આવ્યો છે. જો કે ફાયર એનઓસી ઉપર આખરી હસ્તાક્ષર ચીફ ફાયર ઓફિસરના માન્ય ગણાતા હોવાથી હાર્દિક ગઢવીની સાઈન માન્ય ગણવી કે નહીં તેને લઈને પણ સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં અત્યારે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કાર્યરત છે તે જ રીતે રાજકોટ મનપામાં પણ સરકાર દ્વારા ચીફ ફાયર ઓફિસરને સરકાર મુકે તે જરૂરી બની જાય છે કેમ કે મનપા દ્વારા ઘણા એકમોને સીલ મારી દેવામાં આવ્યા હોવાથી તે ખોલવા માટે ફાયર એનઓસી અત્યંત જરૂરી હોય ચીફ ફાયર ઓફિસરની જગ્યા ભરાઈ જાય તે આવશ્યક છે.