કરણપરામાં વિપ્ર બંધુની હત્યાના પ્રયાસમાં ચારની ધરપકડ
ભાજપ આગેવાનના વિરોધ જુથ સાથે સંબંધ રાખવા બાબતે ચાલતા વિવાદમાં હુમલો
વોઇસ ઓફ ડે રાજકોટ
કરણપરામાં મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં માળી તરીકે નોકરી કરતાં આશિષભાઈ પંડ્યા અને તેના ભાઈ રાજેશ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલ ભાજપ આગેવાન સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. બનાવ અંગેના સીસીટીવી ફૂટેજના આધારે એ. ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
મિલપરા શેરી નં.6 માં રહેતાં આશિષભાઈ ચંદ્રકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50)ની ફરિયાદને આધારે રણજીત ભુપત ચાવડીયા, હાર્દિક ઉર્ફે પપુ રણજીત ચાવડીયા, મોહિત ચાવડીયા અને અમિત ઉર્ફે બમો ચાવડીયા સામે એ. ડિવિઝન પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન શાખામાં નોકરી કરતા આશિષભાઈને વર્ષોથી નરેશ નારણભાઈ ચાવડીયા ઉર્ફે નંદા ભગત સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો હતા જે વાત નરેશભાઈના કુટુંબીક રણજીત ચાવડીયાને પસંદ ન હોય જેથી રણજિત અવારનવાર તેમની સાથે સંબંધ ના રાખવા કહેતો હતો. બનાવના દિવસે સામું જોવા બાબતે ઝગડો કરી રણજીત ચાવડીયાના પુત્ર હાર્દિક ઉર્ફે પપ્પુ, મોહિત ચાવડીયા તથા અમિત ઉર્ફે બમો ચાવડીયાએ હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલાભાઈ રાજેશને પણ મારમાર્યો હતો. પોલીસે આ મામલે ચારની ધરપકડ કરી હતી.