એવરેસ્ટ બિલ્ડિંગ જુગારકાંડ: CCTVમાં છુપાયા છે અનેક રહસ્યો !! જુઓ..
બિલ્ડિંગના મુખ્ય ગેઈટ પર એક કેમેરો ઉપરાંત લિફ્ટ પાસે તેમજ જ્યાં જુગાર રમાતો હતો તે ઑફિસ નં.૯૦૬ બહાર પણ કેમેરો લાગેલો: રેડ બાદ વહેતી થયેલી અટકળો પ્રમાણે ક્લબ એક નહીં બલ્કે ૨૫ દિ’ પહેલાં શરૂ થઈ હતી
પેટા: મુખ્ય સંચાલકે પોલીસને ગેરમાર્ગે દોર્યાનો ગણગણાટ: ખંતપૂર્વક ફૂટેજ ચકાસવામાં આવે તો દરરોજ કોની-કોની અવર-જવર થતી હતી, કોણ ત્યાં ખુરશી શોભાવતું હતું તે સહિતના રાજ પરથી પડદો ઉંચકાઈ શકે
વૉઈસ ઑફ ડે, રાજકોટ
એ-ડિવિઝન પોલીસે મંગળવારે મધરાત્રે શહેરના શાસ્ત્રીમેદાનની સામે આવેલા એવરેસ્ટ બિલ્ડિંગમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ૨૫ જુગારીઓને દબોચી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ આ રેડ બાદ તરેહ તરેહની અટકળો અને ચર્ચાઓ વહેતી થઈ ગઈ છે ત્યારે જુગારક્લબમાં પ્રતિષ્ઠિત લોકોની નિયમિત અવર-જવર રહેતી હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. જો કે આ લોકો કોણ છે તે જાણવા માટે બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજને ચકાસવા જરૂરી બની જાય છે. એકંદરે સીસીટીવી ફૂટેજમાં જુગારક્લબને લઈને અનેક પ્રકારના રહસ્યો કેદ હોવાનું અને કદાચ તે ક્યારેય જાહેર થાય તેવી સંભાવના નહીં હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે એવરેસ્ટ બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર એક કેમેરો લાગેલો છે જેની ચકાસણી કરવામાં આવે તો રેડ પડી એ દિવસે અને તેના અગાઉના દિવસોના ફૂટેજ ચેક કરવામાં આવે તો કોણ કોણ અવર-જવર કરતું હતું તેનો ચોક્કસ ખ્યાલ આવી શકે. જો આ કેમેરાથી કશી સ્પષ્ટતા ન થઈ શકે તો પછી લિફ્ટ પાસે પણ એક કેમેરા છે જેનું ફૂટેજ પણ ચકાસી શકાય તેમ છે. જો અહીંથી પણ સંતોષકારક સ્પષ્ટતા ન થઈ શકે તો જ્યાં જુગારક્લબ ધમધમતી હતી તે ઑફિસ નં.૯૦૬ કે જે પારસ થીબા નામના વ્યક્તિ પાસે હોવાની વાત છે ત્યાં પણ એક બ્લેક કલરનો કેમેરો લાગેલો છે તેના ફૂટેજ ચેક કરવામાં આવે તો ઘણા બધા રાજ ઉપરથી પડદો ઉંચકાઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી બાજુ એવી ચર્ચાઓ-અટકળો વહેતી થઈ ગઈ છે સાથે સાથે ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે આ ક્લબ એક દિવસથી નહીં બલ્કે ૨૫ દિવસ પહેલાં શરૂ થઈ હતી મતલબ કે દિવાળીના સમયથી જ અહીં જુગાર ધમધમી રહ્યો હતો. જો કે ક્લબ સંચાલક મોહસીન પઠાણના નિવેદનના આધારે પોલીસ ચોપડે એવું નોંધવામાં આવ્યું છે કે આ ક્લબ જે દિવસે રેડ પડી તે જ દિવસથી શરૂ કરવામાં આવી હતી !! જો પોલીસ ધારે તો રેડ પડી એ દિવસ તેમજ તેની અગાઉના દિવસોના સીસીટીવી ફૂટેજ ચેક કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. સૂત્રોએ તો એમ પણ જણાવ્યું કે જો ખંતપૂર્વક ફૂટેજ ચકાસવામાં આવશે તો દરરોજ કોની-કોની અવર-જવર થતી હતી, કોણ ત્યાં ખુરશી શોભાવી રહ્યું હતું તે સહિતનું સામે આવી જશે.
આમાં બહુ પહોંચેલા' લોકો ભાગીદાર છે તેમ કહી પંટરોને ભરમાવ્યા'તા ? અટકળોની આંધી તો એવી પણ ફૂંકાય રહી છે કે ક્લબના મુખ્ય સંચાલક એવા ડિસ્મીસ્ડ પોલીસકર્મીના પુત્ર મોહસીન પઠાણે પંટરોને એવું કહીને ભરમાવ્યા હતા કે આમાં બહુ
પહોંચેલા’ લોકો ભાગીદાર છે એટલા માટે રેડ પડવાનો કોઈ સવાલ રહેતો નથી. આ પ્રકારની ખાતરી મળતાં જ રાજકોટ તેમજ બહારગામથી પંટરો ક્લબમાં રમવા માટે આવ્યા હોય તેવું બની શકે છે. જો આ વાત સાચી હોય તો પોલીસે મુખ્ય સંચાલકની આગવી ઢબે પૂછપરછ કરીને સાચે જ આમાં કોઈ ભાગીદાર હતું કે પછી તેણે આમ જ મોટી મોટી વાતો કરી હશે તેની ખરાઈ કરવી જરૂરી બની જાય છે.
૨૫ પંટરો વચ્ચે માત્ર એક જ મોબાઈલ, બાકીના ક્યાં ગયા ?
જુગાર ક્લબમાંથી ૨૫ પંટરો જુગાર રમતા પકડાયા હતા ત્યારે પોલીસના હાથમાં માત્ર એક જ મોબાઈલ આવ્યો છે. આ બારામાં પોલીસ એવું કહી રહી છે કે સંચાલક મોહસીન દ્વારા દરેક પંટરના ફોન લઈ લેવામાં આવતા હતા. કદાચ આ વાત સાચી પણ હશે પરંતુ મોહસીને મોબાઈલ જમા કર્યા બાદ ઘરે મુકી આવ્યો હોય તેવું બની શકવાને કોઈ સ્થાન નથી એટલા માટે પોલીસે મોહસીને પંટરો પાસેથી જમા લીધેલા ફોન કબજે લેવાની તાતી જરૂરિયાત રહે છે કેમ કે તેમાં પણ ઘણા રાજ છુપાયેલા હોય તેવું બની શકે છે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે.
સંચાલક સહિત ચારની આગવી સરભરા કરી ખો ભૂલાવી દેતી પોલીસ
એ-ડિવિઝન પોલીસે રેડ પાડ્યા બાદ દરેક પંટરોને પોલીસ મથકે લઈ જવાયા હતા. આ પછી મુખ્ય સંચાલક સહિત ચારની આગવી ઢબે સરભરા કરવામાં આવતાં જ ચારેય ભાંભરડા નાખી ગયા હતા. પોલીસની સરભરાને કારણે કદાચ આવનારા સમયમાં આ લોકો જુગાર ક્લબ શરૂ કરવાનું તો પરંતુ જુગારનો `જ’ બોલે તેવી શક્યતા પણ રહેતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.