રથયાત્રામાં TRP ગેઈમ ઝોનનો ટેબ્લો
પોલીસના ધ્યાનમાં આવતાં તુરંત પોસ્ટર્સ દૂર કરાવ્યા: ભાવનગરની ઘટના
ભગવાનશ્રી જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાજતે-ગાજતે નીકળી હતી અને લાખો ભાવિકોએ સાક્ષાત્ તેમાં દર્શન કર્યા હતા. બીજી બાજુ આખા ગુજરાતમાં અત્યારે રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રથયાત્રામાં પણ ગેઈમ ઝોન અગ્નિકાંડનો ટેબ્લો સામેલ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. રથયાત્રામાં આ પ્રકારનો ટેબ્લો સામેલ હોવાનું ધ્યાન પર આવતાં જ તુરંત પોસ્ટર્સ દૂર કરાવાયા હતા.
ભાવનગરમાં નીકળેલી વિશાળ રથયાત્રામાં રાજકોટ ગેઈમ ઝોન અગ્નિકાંડને લઈને લોકોને જાગૃતિ આપતો એક ટેબ્લો સંસ્થા દ્વારા સામેલ કરવામાં આવ્યો હતો. આમ તો રથયાત્રામાં અનેક ટેબ્લો સામેલ હોવાથી પોલીસનું ધ્યાન ઝડપથી તેના ઉપર પડ્યું ન્હોતું. આ ટેબ્લોમાં અગ્નિકાંડના ફોટો તેમજ લોકોને જાગૃત કરવા માટે સંદેશા આપતા બેનર લગાવાયા હતા. લોકોના ધ્યાન પર ટેબ્લો આવતાં જ ચર્ચાએ જોર પકડી લીધું હતું.
દરમિયાન રથયાત્રા જ્યારે સરદારનગર પહોંચી ત્યારે પોલીસના ધ્યાન પર આ ટેબ્લો આવી ગયો હતો જેથી તેને ત્યાં જ અટકાવીને ટ્રકમાં લગાવેલા બેનરો ઉતરાવી લેવામાં આવ્યા હતા. આ ટેબ્લોમાં લોકોની લાગણી દૂભાય તેવું કશું જ ન્હોતું પરંતુ સરકારનો કાન આમળતું લખાણ લખવામાં આવ્યું હોવાથી પોલીસને કદાચ તે ગમ્યું ન હોય તે રીતે તેણે તાત્કાલિક પોસ્ટર્સ ઉતરાવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.