અમેરિકામાં રહેતા ભારતીય મૂળના યુવાનો મુશ્કેલીમાં, જાણો શું છે કારણ
- યુએસમાં ભારતીય પરિવારોના લાખો સંતાનો દેશનિકાલ થશે
- 21 વર્ષની વય વટાવી દેતા આશ્રિત નો દરજ્જો ગુમાવ્યો
અમેરિકામાં વસતા ભારતીય સહિત અનેક દેશોના કાયદેસર ઈમીગ્રન્ટ્સના લાખો સંતાનો ઉપર 21 વર્ષની વય વટાવી જવાને કારણે દેશનિકાલ થવાનો ભયતોળાઈ રહ્યો છે. આ સંતાનો ડોક્યુમેન્ટટેડ ડ્રીમર્સના નામે ઓળખાય છે.
નેશનલ ફાઉન્ડેશન ઓફ અમેરિકન પોલિસી દ્વારા નવેમ્બરમાં રજૂ કરાયેલા સર્વે મુજબ કુલ ૧૨ લાખ ભારતીયો EB -1, EB-2 અને EB -3 કેટેગરીના ગ્રીન કાર્ડ ની પ્રતીક્ષામાં છે. તેમાં આશ્રિત સંતાનોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ નેશનનાલિટી એક્ટ હેઠળ વર્ક વિઝા થી કામ કરતા વિદેશીઓના 21 વર્ષથી નીચેના અને અપરિણીત સંતાનોનો બાળકની વ્યાખ્યામાં સમાવેશ થાય છે અને તેમને આશ્રિત તરીકે રહેવાનો અધિકાર મળે છે.
જોકે હવે સમસ્યા એ સર્જાઇ છે કે આવા 2.50 લાખ આશ્રિતો 21 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને તેમાં અડધા કરતાં વધારે ભારતીયોનો સમાવેશ થાય છે. આ યુવાનોએ આશ્રિતનો દરજ્જો ગુમાવી દેતા અમેરિકામાં રહેવાનો અધિકાર પણ ગુમાવી દીધો છે.
આ સમસ્યા સર્જાયા બાદ 13 જૂનના રોજ 43 સાંસદોના જૂથે બાઈડેન સરકારને ત્વરિત સમાધાન શોધવા રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યા મુજબ આ બધા બાળકો અમેરિકામાં મોટા થયા છે, અમેરિકાની શાળાઓ અને કોલેજો માંથી ડિગ્રી મેળવી છે અને તેમનું અને તેમના પરિવારોનું ભવિષ્ય અમેરિકા સાથે સંકળાયેલું છે. જો કે વ્હાઇટ હાઉસ ના પ્રેસ સેક્રેટરી કેરીન પીએરે ના જણાવ્યા મુજબ આ મુદ્દે દ્વિપક્ષીય કરાર દ્વારા સમાધાન શોધવાના પ્રયાસો થયા હતા પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ વીટો વાપરી એ પ્રયાસો નિષ્ફળ બનાવતા આ સમસ્યાનું સમાધાન અટકી ગયું છે. હવે આ યુવાનોએ ગ્રીન કાર્ડ માટે નવેસરથી અરજી કરવી પડશે. જોકે ગ્રીન કાર્ડ માટે આમ પણ લાખો લોકો પ્રતીક્ષામાં હોવાને કારણે એ કાર્ડ ન મળે ત્યાં સુધી આ યુવાનોનું ભાવી સંકટમાં મુકાઈ ગયું છે.