- મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષમાં એક લાખ કરતા વધુ મહિલા લાપતા
- પોલીસ કાંઈ કરતી નથી: હાઇકોર્ટમાં અરજી
મહારાષ્ટ્રમાં વર્ષ 2019 થી 2021 વચ્ચે 18 વર્ષથી ઉપરની એક લાખ કરતાં વધારે મહિલાઓ લાપતા બની છે અને તેમને શોધવા માટે પોલીસ કોઈ અસરકારક પગલાં નથી લેતી તે હેતુની મુંબઈ હાઈકોર્ટમાં સાંગલીના એક નિવૃત્ત સૈનિકે જાહેર હિતની અરજી કરી છે.
સાહાજી જગતાપ નામના એ સૈનિકે અરજીમાં જણાવ્યા અનુસાર 2021ના ડિસેમ્બરમાં તેમની પુત્રીએ એક મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યા બાદ તેનો કાંઈ અતોપતો નથી. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે યુવતી પુખ્ત વયની હોવાથી અને પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાથી કંઈ થઈ શકે નહીં તેવો ખુલાસો કર્યો હતો.
સાહાજીનું કહેવું છે કે પોલીસની એ દલીલ સાચી છે પરંતુ અમારી પુત્રી ના કાંઈ ખબર ન મળતાં અમે ખૂબ સંતાપ અનુભવ્યો છે અને એવો જ સંતાપ બીજી લાખો લાપતા મહિલાઓના પરિવારજનો અનુભવી રહ્યા હશે.
તેમણે સરકારી આંકડાઓ આપતાં કહ્યું કે 2019માં 35990,વર્ષ 2020માં 30089 અને વર્ષ 2021માં 34763 મહિલાઓ લાપતા બની હતી.અરજદારના વકીલના જણાવ્યા મુજબ લાપતા મહિલાઓ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પોલીસ પાલન નથી કરતી. પોલીસતંત્ર લાપતા મહિલાઓના કેસ નો ઉકેલ લાવી પોતાની કાયદાકીય ફરજ બજાવે અને આવા બનાવોનો સામનો કરવા માટે યોગ્ય મિકેનીઝમ ઉભુ કરે તેવી માંગણી આ અરજીમાં કરવામાં આવી છે.આ અરજીની 30 જુલાઈના રોજ સુનાવણી થશે