બીજા તબક્કાનું મતદાન ક્યારે ? જાણો કેટલા ઉમેદવારો મેદાનમાં ?
લોકસભા-2024 ની લોકસભાની ચુંટણી 7 તબક્કામાં થઈ રહી છે અને હવે 26 મીએ દેશના 13 રાજ્યો – કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં કેટલાક ટોચના નેતાઓ સહિત 1210 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન પહેલા નેતાઓ અને ઉમેદવારોએ પ્રચારમાં પરસેવો પાડ્યો હતો.
બીજા તબક્કા માટેનો પ્રચાર બુધવારે સાંજે શાંત થયો હતો. મુખ્ય હરીફો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુધ્ધ વધુ ઉગ્ર બન્યું છે અને બધા પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવી લીધું છે. વડાપ્રધાન મોદી તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા અને ખડગે સહિતના નેતાઓ અલગ અલગ રાજ્યોમાં સભાઓ સંબોધી રહ્યા છે.
બીજા તબક્કામાં રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, અરુણ ગોવિલ, પપ્પુ યાદવ સહિતના નેતાઓની કિસ્મત દાવ પર છે અને એમના ભાવિ 26 મીએ ઇવીએમમાં કેદ થઈ જશે. રાહુલ વાયનાડ બેઠક પર અને હેમા માલિની મથુરા બેઠક પર લડી રહ્યા છે.
બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, એમપી, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, યુપી, બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં થયેલી હિંસાઅને જોઈને આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે.