બાંગ્લાદેશના મહંમદ યુનુસે ભારત વિશે શું કહ્યું ? વાંચો
- લે બોલ .. .. ચકલી નાની અને ફૈડકું મોટું !
- બાંગ્લાદેશના કાર્યકારી વડા યુનુસે ભારતને ધમકી આપી ; જો અહીં અસ્થિરતા આવી તો બંગાળ પણ પ્રભાવિત થશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશની સેનાના સમર્થનથી નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે હવે બાંગ્લાદેશની કમાન સંભાળી છે અને દેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા છે. જો કે, સત્તામાં આવતા જ મોહમ્મદ યુનુસે ભારતને ચેતવણીજનક સંદેશ આપ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, જો બાંગ્લાદેશમાં અસ્થિરતા આવી તો મ્યાન્મારની સાથે સાથે ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થશે. મોહમ્મદ યુનુસનું આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેમના આ નિવેદનથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા જણાઇ રહી છે.
નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસ શેખ હસીનાના કટ્ટર વિરોધી છે. યુનુસે બાંગ્લાદેશ આવતા પહેલાં જ વિવાદીત ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન મોહમ્મદ યુનુસે ભારતને ચેતવણી આપવા ઉપરાંત શેખ હસીના પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં ઘણાં વર્ષોથી કાયદાકીય વ્યવસ્થા ન હતી, જે કારણે દેશ હાલ અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે.
દેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થવાને લીધે જ શેખ હસીનાના રાજીનામાંની માગ ઉભી થઇ હતી. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં કાયદો અને વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવાનું હશે. વધુમાં તેમણે કહ્યું કે, જો બાંગ્લાદેશમાં અસ્થિરતા આવી તો મ્યાન્માર અને તેની સાથે ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થશે.