વકફ બોર્ડના અધિકારો પર મુકાશે કાપ : આજે સંસદમાં ખરડો
- ગમે તે મિલકતને વકફ બોર્ડની જાહેર નહીં કરી શકાય , કાયદામાં વ્યાપક ફેરફાર થશે, 40 સુધારાને કેબિનેટની મંજૂરી ; વકફ બોર્ડમાં મહિલાઓને સમાવવા પ્રસ્તાવ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્ર સરકાર એક પછી એક મહત્વના કામ હાથ પર લઈ રહી છે અને હવે વકફ એક્ટમાં સુધારા થવાના છે. વર્ષ 2013માં યુપીએ સરકારે વક્ફ બોર્ડની સત્તામાં વધારો કર્યો હતો, ત્યારબાદ હવે એનડીએ સરકાર વક્ફ બોર્ડ પર અંકુશ મૂકી શકે છે. સોમવારે એટલે કે આજે મોદી સરકાર વકફ બોર્ડના અધિકારોને ઘટાડવા માટે સંસદમાં બિલ લાવી શકે છે. આ બિલ અનુસાર સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે.
વકફ બોર્ડ દ્વારા કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કર્યા પછી, જમીનના માલિકે તે મિલકત બોર્ડ પાસેથી પાછી લેવા માટે કોર્ટના ચક્કર લગાવવા પડે છે. એટલે કાયદામાં સુધારા બાદ વકફ બોર્ડ કોઈપણ મિલકત પર કબજો જમાવી શકશે નહીં.
40 સુધારા પર ચર્ચા
શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં વકફ એક્ટમાં 40 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે મીટીંગમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે 40 સુધારા કરવાને બદલે નવું બિલ કેમ લાવતા નથી. બિલમાં પ્રસ્તાવિત સુધારા મુજબ વકફ બોર્ડ જે મિલકત પર દાવો કરશે તેની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત વકફ બોર્ડની વિવાદિત મિલકતો માટે ફરજિયાત ચકાસણીની પણ ખરડામાં દરખાસ્ત કરવામાં આવી છે.
યુપીએએ તાકાત વધારી હતી
આ બિલમાં કેન્દ્રીય વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. 2013માં કેન્દ્રની યુપીએ સરકારે વકફ એક્ટમાં સુધારો કરીને વકફ બોર્ડને વધુ સત્તા આપી હતી, ત્યાર બાદ હવે એનડીએ સરકારે તેમાં સુધારો કરવાની તૈયારી કરી લીધી છે અને આ બિલનો સંસદની અંદર અને બહાર વિરોધ થશે તે નિશ્ચિત છે.
વકફ બોર્ડ પાસે હજારો કરોડની મિલકતો છે
હાલમાં તેની પાસે 8.7 લાખ મિલકતો છે જે કૂલ 9.4 લાખ એકર જેટલી છે
હાલમાં વક્ફ બોર્ડ પાસે 8.7 લાખથી વધુ મિલકતો છે જે કુલ 9.4 લાખ એકર છે. વકફ એક્ટ, 1995 હેઠળ, ‘ઔકાફ’ એટલે એવી મિલકત કે જે મુસ્લિમ વ્યક્તિ બોર્ડને ધાર્મિક રીતે દાન કરે છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિ વકફ બોર્ડને પોતાની મિલકત ધાર્મિક રીતે દાનમાં આપી શકે છે, પરંતુ એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે જેમાં કોઈ અન્યની મિલકત દાનમાં આપવામાં આવી હોય અને તેના વાસ્તવિક માલિકે તેને પરત મેળવવા માટે કોર્ટના ચક્કર લગાવવા પડ્યા હોય.
રાજ્ય વકફ બોર્ડ પાસે વ્યાપક સત્તા છે અને આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ વકફ મિલકત પર દાવો કરે છે, ત્યારે બોર્ડ તેના સર્વેક્ષણમાં ઘણી વાર વિલંબ કરે છે. ઉપરાંત, અપીલ પ્રક્રિયામાં ખામીઓ જોવામાં આવી છે, વ્યક્તિ વક્ફ બોર્ડના કોઈપણ નિર્ણય સામે અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે, પરંતુ આવી અપીલના નિકાલ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.