યુપીના કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ: મારી બેન નું મૃત્યુ થયું ત્યારે મને રજા પણ નહોતી આપી
ઉત્તર પ્રદેશના બાઘપથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓમવીર સિંઘ નામના પોલીસ કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ઉપરી અધિકારીઓ અને શાસન કર્તાઓની સંવેદનહીનતા સામે આક્ષેપ કરતા ચકચાર જાગી છે. આ કોન્સ્ટેબલ કહે છે કે 20 જુલાઈના રોજ મારી સગી બેનનું મૃત્યુ થયું હતું. એ આઘાતજનક પ્રસંગે દિલસોજીના બે શબ્દો કહેવા કે સહાનુભતી દાખવવી તો દૂર રહી પણ મારી રજા પણ નામંજૂર કરી દેવામાં આવી હતી. તેણે કહ્યું કે આ વિડીયો વાયરલ કરવા પાછળ મારો હેતુ પોલીસ કર્મચારીઓની કફોડી સ્થિતિ ઉજાગર કરવાનો છે. તે વિશેષમાં કહે છે કે બે વર્ષમાં 10 થી 12 કોન્સ્ટેબલે આપઘાત કર્યા છે. હજુ ગઈકાલે જ અયોધ્યા અને મીરુતમાં બે પોલીસ કર્મચારીઓની આત્મહત્યાના બનાવો બન્યા છે પણ કોઈના પેટનું પાણી પણ નથી હલતું. આવી દુઃખદ ઘટનાઓ છતાં ઉચ્ચ અધિકારીઓ કોઈ પ્રતિક્રિયા પણ નથી આપતા.