વિદેશમાં ભણવા જવું છે ? TOEFLની સિસ્ટમમાં આવનારો ફેરફાર વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ
- વ્યક્તિનું બેકગ્રાઉન્ડ, સ્ટડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછાશે
- TOEFLમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારશે.
ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓ વિદ્યાર્થીઓમાં વિદેશમાં જઈને ભણવાનો એક પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. ઘરનું સંતાન વિદેશ ભણવા જાય એટલે વાલીઓ પણ ગૌરવથી આ વાત બધાને કહેતા હોય છે પરંતુ વિદેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશન માટે અંગ્રેજી વિષય ઉપર પ્રભુત્વ હોવું ઘણું જ જરૂરી છે. આ માટે જુદી જુદી પરીક્ષાક આપવી પડે છે અને તેમાંની એક છે ટોફેલ.
વિદેશમાં એડમીશન માટે TOEFLમાં સારા ગુણ મેળવવા જરૂરી છે. આ ટેસ્ટને હવે પર્સનલાઈઝ્ડ કરવામાં આવશે જેમાં વ્યક્તિનું બેકગ્રાઉન્ડ અને તેના સ્ટડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવશે. TOEFLની હાલની સિસ્ટમમાં ઘણા ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતા રહે છે. પરંતુ નવા સુધારા પછી વ્યક્તિનું વધુ સારી રીતે મૂલ્યાંકન થઈ શકશે તેમ માનવામાં આવે છે.
જાણકારો અનુસાર, પ્રિન્સ્ટન સ્થિત એજન્સી TOEFLમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારશે. હવેથી અંગ્રેજીની ટેસ્ટમાં લોકોના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઈ ભારતીય સ્ટુડન્ટ અને જર્મન સ્ટુડન્ટ TOEFLની પરીક્ષા આપે ત્યારે બંનેના બેકગ્રાઉન્ડ અલગ હશે. તેથી એક જ પ્રકારના પ્રશ્નો દ્વારા યોગ્ય રીતે મૂલ્યાંકન નહીં થઈ શકે.
તેઓ કહે છે કે ભારતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા લખવામાં બહુ કુશળ હોય પરંતુ સ્પોકન ઈંગ્લિશમાં તેઓ પાછળ રહી ગયા હોય તે શક્ય છે. અંગ્રેજી બોલવામાં તેમણે સુધારા કરવા પડશે. TOEFLમાં પર્સનલાઈઝ્ડ એસેસમેન્ટ માટે કામ ચાલે છે પરંતુ તેમાં 24થી 36 મહિનાનો સમય લાગી જાય તેવી શક્યતા છે. TOEFLની પરીક્ષા લેતી એજન્સીએ હવે સંસ્થાઓ સાથે કામ કરીને જરૂરી ફેરફાર કરવા પડશે અને સ્ટાન્ડર્ડ એસેસમેન્ટ માટેના નિયમો બનાવવા પડશે.
TOEFLએ અંગ્રેજીભાષી ન હોય તેવા લોકોને કેટલું અંગ્રેજી આવડે છે તે જાણવા માટેની સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે. અંગ્રેજી ભાષામાં ભણતર અપાતું હોય તેવી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે આ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. લગભગ 160થી વધારે દેશોમાં 12,000 સંસ્થાઓમાં આ ટેસ્ટના રિઝલ્ટ સ્વીકારવામાં આવે છે. તેના આધારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ જેવા લોકપ્રિય સ્થળોની કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશન મળે છે. આ ઉપરાંત યુકેની 98 ટકા યુનિવર્સિટીઓમાં એડમિશન માટે TOEFL ટેસ્ટના રિઝલ્ટને આધાર બનાવવામાં આવે છે.
TOEFLએ 60 વર્ષ જૂની ટેસ્ટ છે અને ચાલુ વર્ષે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. અગાઉ આ ટેસ્ટ ત્રણ કલાકમાં લેવામાં આવતી હતી, પરંતુ હવે તેનો સમયગાળો ઘટાડીને બે કલાક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટ પૂરી થયા પછી ઉમેદવારો સત્તાવાર સ્કોર રિલિઝ થવાની તારીખ પણ જાણી શકે છે.
તેઓએ એવું પણ કહ્યું કે TOEFLમાં બીજા ફેરફાર પણ આવી રહ્યા છે. હવે અમે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સમન્વય કરી રહ્યા છીએ. તેથી હવે તે ટેસ્ટ સિવાય બીજું ઘણું બધું ગણાશે. આગામી મહિનાઓમાં આ ટેસ્ટની તૈયારી માટે વધુ મટિરિયલ રિલિઝ કરવામાં આવશે. સ્ટુડન્ટે પોતાના જે એરિયામાં ફોકસ કરવાની જરૂર હોય તેના પર જ તેઓ કામ કરે તે માટે પ્રયાસ કરાશે. એક્સપર્ટ જણાવે છે કે ટોફેલની પરીક્ષામાં આગામી દિવસોમાં વધારે ફેરફાર થઈ શકે છે. હવે તે AI આધારિત વધારે હશે. કન્ટેન્ટ જનરેશન અને ટેસ્ટની સિક્યોરિટી માટે હાલમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. કોમ્પ્રિહેન્શન, ઈન્ટરપ્રિટેશન વગેરેમાં સ્ટુડન્ટને પારખવાની પદ્ધતિ બદલવામાં આવશે.