મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં વધુ બે જવાનોએ શહીદી વ્હોરી
મણીપુરમાં ચૂંટણી સમયે જ ફરી એક વખત ઉગ્રવાદે માથું ઉચક્યું હોય તેમ શનિવારે સવારે કુકી ઉગ્રવાદીઓએ સીઆરપીએફના કેમ્પ ઉપર કરેલા હુમલમાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ બિશનપુર જિલ્લાના નારાયણસેની નામના ગામમાં આવેલા સીઆરપીએફ કેમ્પ ઉપર શનિવારે વહેલી સવારે 2.15 મિનિટે કુકી ઉગ્રવાદીઓએ એક પર્વત પરથી અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. સફાળા જાગેલા સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપવાનું શરૂ કર્યું તે દરમિયાન કેમ્પમાં પડેલાં એક બોમ્બમાં વિસ્ફોટ થતા ચાર જવાનો ઘાયલ થયા હતા. તેમને સત્વરે તબીબી સારવાર આપવામાં આવી હતી પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા સીઆરપીએફના સબ ઇન્સ્પેક્ટર એન. સરકાર અને હેડ કોન્સ્ટેબલ અરુણ સૈનિએ દમ તોડી નાખ્યો હતો.
નોંધનીય છે કે ગત વર્ષે મણીપુરમાં હિંસાનો પ્રારંભ થયો તેની પ્રથમ વર્ષના છ દિવસ પહેલા જ આ હુમલો થયો છે. હજુ પણ વધુ હુમલાઓ થવાની આશંકાને પગલે સુરક્ષા દળોને સતર્ક કરી દેવાયા છે.
