ઓહ! કેવી ક્રૂરતા,કેવી હિંસા,કેવા ખૂની ખેલ!
પત્ની રૂમમાં પડી હતી કાંડું હતું બાથરૂમમાં
કાનપુરથી પતિની સાથે દિલ્હીના આદર્શનગર વિસ્તારની હોટેલમાં ઉતરેલી એક મહિલાના હાથનો પંજો કાપી નાંખીને તેનો પતિ ભાગી ગયો હતો.કાનપુરમાં રહેતા સતીશ કુમાર અને તેની પત્ની શુક્રવારે સાંજે હોટેલમાં ચેક ઇન થયા હતા. બાદમાં સાંજે રૂમમાંથી મહિલાની ચિસોનો અવાજ સંભળાતા હોટેલના સ્ટાફે દરવાજો ખખડાવ્યો હતો. જોકે કોઈપણ પ્રકારનો પ્રત્યુતર ન મળતા અંતે દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમમાં મહિલા લોહીથી લથબથ હાલતમાં અર્ધમૂર્છિત અવસ્થામાં કણસતી હતી. તેનું કાંડુ કપાઈ ગયું હતું. બાદમાં તપાસ કરતા તેનો કપાયેલો પંજો બાથરૂમમાંથી મળી આવ્યો હતો. આ મહિલા સીઆરપીએફ માં ફરજ બજાવતી હોવાનું અને દિલ્હી પરીક્ષા દેવા માટે પતિ સાથે આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પત્ની અને પુત્રીની હત્યા બાદ પોતે આપઘાત કર્યો.
પુણે જિલ્લાના ચીખલી નગરમાં કિશોર કુતે નામના 37 વર્ષનો શખ્સ તેની પત્ની વર્ષા અને બે વર્ષની માસુમ પુત્રી ની હત્યા કરી બાદમાં પોતે પણ ફાંસીના માચડે લટકી ગયો હતો. વર્ષા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. શનિવારે રાત્રે ફરજ પરથી આવવામાં મોડું થયા બાદ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સવારે રમેશે પત્ની વર્ષા અને બે વર્ષની માસુમ પુત્રીને તીક્ષણ હથિયારોના ઘા મારી વેતરી નાખ્યા હતા અને પોતે મોટર સાયકલ પર નજીકના ગામડામાં પહોંચી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ દંપતીની આઠ વર્ષની બીજી પુત્રી સ્કૂલે ગઈ હોવાથી બચી ગઈ હતી. એ હતભાગી બાળકી માતા પિતા નું છત્ર ગુમાવી અનાથ થઈ ગઈ છે.
ભોજન પીરસવાના મુદ્દે પત્નીને પતાવી દીધી
જોધપુરના માતા કા થાના વિસ્તારમાં શનિવારે રાત્રે રમેશ બેનીવાલ નામના માણસે તેની પત્ની સુમનની પથ્થરનાં ઘા હત્યા કરી નાખી હતી. રમેશના જણાવ્યા મુજબ શનિવારે મોડી રાત્રે તે ઘરે આવ્યો તે પછી પત્નીએ ભોજન પીરસવાનો ઇનકાર કરતા ઉશ્કેરાઈને તેણે આ કૃત્ય કર્યું હતું. હત્યા કર્યા બાદ રમેશે પોતાના બનેવીને ફોન કર્યો હતો. એ દરમિયાન મકાન માલિકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રમેશ અને સુમનના 15 વર્ષના દાંપત્યજીવનનો આવો ઘાતકી અંત આવ્યો. તેમના બાળકો હોસ્ટેલમાં ભણતા હોવાથી બચી ગયા હતા. હત્યાનો ભોગ બનનારી સુમન રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના મહિલા મોરચાની પાંખભૂતપૂર્વ પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે.
મહિલાએ પ્રેમીની હત્યા કરી ગુપ્તાંગ વાઢી નાખ્યું.
ઉતતરપ્રદેશના રાયબરેલીમાં 45 વર્ષની મહિલાએ તેના 60 વર્ષના પુરુષ મિત્રની હત્યા કરી મૃતદેહ જંગલમાં ફેંકી દીધો હતો. એ મહિલાને તેના પાડોશમાં જ રહેતા મેહંદી લાલ સાથે અનૈતિક સંબંધો હતા. આ મહેંદી લાલે એ મહિલાની 19 વર્ષની પુત્રી ઉપર નજર બગાડી હતી. મહેંદી લાલે બળજબરી કરી હોવાની પુત્રીએ ફરિયાદ કર્યા બાદ માતા વિફરી હતી. મહેંદી લાલ ને છાશમાં ઘેન ની દવા પીવડાવી નિદ્રામાં પોઢાડી દીધા બાદ માતા અને પુત્રીએ ઢોર માર મારીને તથા ગળું ઘોંટીને તેને પતાવી દીધો હતો અને લાશને નજીકના જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસે મૃતદેહ નો કબજો લીધો ત્યારે ગુપ્તાંગ કપાયેલી હાલતમાં નજરે પડ્યું હતું.