દુષ્કર્મ પીડિત બાળાને જીવતી જ સળગતી ભઠ્ઠીમાં ફેંકી દેવાઇ હતી
ફોરેન્સિક તપાસમાં સત્ય સામે આવ્યું
રાજસ્થાન પોલીસે ચાર્જશીટ રજૂ કર્યું.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોતારી નામના ગામડામાં એક સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારી અને બાદમાં હત્યા કરવાના કેસમાં હૈયુ કંપાવી દે તેવો ખુલાસો થયો છે. એ બાળા જીવતી હતી ત્યારે જ નરાધમો તેને સળગતી ભઠ્ઠીમાં ફેંકીને નાસી ગયા હતા. રાજસ્થાનને હચમચાવી દેનાર આ જઘન્ય ઘટના અંગે પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં આ વિગત જણાવવામાં આવી છે.
ત્રીજી ઓગસ્ટે આ હતભાગી બાળા ગાયબ થયા બાદ સળગેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સામુહિક દુષ્કર્મને કારણે બેભાન બની ગયેલી એ બાળાને જીવતી જ સળગતી ભઠ્ઠીમાં ફેંકી દેવાઈ હતી. ભડથું થઈ ગયેલા મૃતદેહની ફોરેન્સિક તપાસ બાદ આ સત્ય સામે આવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 326 નો ઉમેરો કર્યો છે. આ ભયંકર ઘટનામાં બે સગીર સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.નોંધનીય છે કે આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાનમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા અને હવે 400 પાનાનું ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે.
