પેપર તો ઠીક દેશમાં બજેટ પણ લીક થયું હતું…કોણે કર્યું હતુ લીક અને કોણ હતા નાણામંત્રી…જાણો…
હાલ ચોમાસાનું વાતાવરણ ચાલી રહ્યું છે પણ લીક થવાનો અવાજ પાણીનો નથી પણ NEET પરીક્ષાના પેપરનો છે. આ સમયે સમગ્ર દેશમાં પેપર લીકની ચર્ચા ચાલી રહી છે. યુવાનોમાં ગુસ્સો છે કે તેઓ આટલી મહેનત કરીને તૈયારી કરે છે, પરંતુ પેપર લીક કરતી ટોળકી તેમની તમામ મહેનત બગાડે છે. તો આ પાણી અને પેપર લીકની વચ્ચે બજેટ લીકની પણ કહાની છે. હા, દેશનું સામાન્ય બજેટ પણ એકવાર લીક થઈ ગયું હતું જો કે, આ ઘટનાને ઘણા દાયકાઓ વીતી ગયા છે ત્યારે ચાલો એ ઘટના વિશે જયારે દેશનું બજેટ પણ લીક થઇ ગયું હતું.
બજેટ કેવી રીતે લીક થયું?
…તો વર્ષ હતું 1950. ભારતની આઝાદીને એટલા વર્ષો થયા નહોતા પણ લીક શબ્દ લોકોના શબ્દકોશમાં પ્રવેશી ચૂક્યો હતો. કારણ કે દેશના સામાન્ય બજેટનો કેટલોક હિસ્સો લીક થઈ ગયો હતો. જ્હોન મથાઈ ત્યારે દેશના નાણામંત્રી હતા. 1950ના કેન્દ્રીય બજેટનો એક ભાગ પ્રિન્ટિંગ દરમિયાન લીક થઈ ગયો હતો. તે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રિન્ટીંગ થતું હતું. આ લીક થયા બાદ બજેટના પ્રિન્ટીંગની જગ્યા બદલીને મિન્ટો રોડ પર સરકારી પ્રેસ કરવામાં આવી હતી. પછી વર્ષ 1980 થી, નોર્થ બ્લોકનું ભોંયરું બજેટ પ્રિન્ટિંગ માટે કાયમી સ્થળ બની ગયું.
ઐતિહાસિક બજેટ
જો કે, બજેટ લીક થયા બાદ તત્કાલિન નાણામંત્રી મથાઈએ રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે તેમના પર ઉચ્ચ સત્તાઓ અને ધનિકોના હિતોની સેવા કરવાનો આરોપ હતો. જો કે, બજેટ લીક થવાનો આ એક માત્ર સમય નહોતો. અગાઉ, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ (1947-1948) કેન્દ્રીય નાણામંત્રી સર આરકે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા પહેલા બ્રિટનના નાણામંત્રી હ્યુજ ડાલ્ટને એક પત્રકારને બજેટમાં પ્રસ્તાવિત કર ફેરફારો વિશે જણાવ્યું હતું. સંસદમાં બજેટ રજૂ થતાં પહેલા આ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. આ પછી જોરદાર હંગામો થયો, જે બાદ ડાલ્ટને રાજીનામું આપવું પડ્યું.
ભારતનું પ્રથમ બજેટ
ભારતમાં બજેટ સૌપ્રથમ 7 એપ્રિલ, 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને તેને બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ તત્કાલિન નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
નિર્મલા સીતારમણ સાતમું બજેટ રજૂ કરશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જુલાઈ મહિનામાં જ તેમનું સતત સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જુલાઈમાં રજૂ થનાર આ બજેટ સંપૂર્ણ બજેટ છે. તેમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, કારણ કે એપ્રિલથી લોકસભાની ચૂંટણી શરૂ થવાની હતી. નાણામંત્રીએ સંબંધિત પક્ષો સાથે બેઠક કરીને બજેટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, આ તમામ અત્યંત ગોપનીય બાબતો છે અને કોઈપણ માહિતી માત્ર અમુક જ પસંદ કરેલા લોકો માટે ઉપલબ્ધ છે.
બજેટ ગોપનીય રાખવામાં આવે છે
બજેટની જાહેરાત પહેલા નાણા મંત્રાલયના કાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે અને બજેટ રજૂ થાય ત્યાં સુધી કોઈ પણ મીડિયાને ત્યાં જવા દેવામાં આવતા નથી. બજેટ નિર્માણ સાથે સંકળાયેલા લોકો પર ઈન્ટેલિજન્સ બ્યુરો દિલ્હી પોલીસની મદદથી નજર રાખે છે. સંયુક્ત સચિવની આગેવાની હેઠળની ગુપ્તચર ટીમ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓની ગતિવિધિઓ પર નજર રાખે છે.