દેશમાં આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : 6 આતંકી ઝબ્બે, વાંચો સમગ્ર મામલો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળીને ગુરુવારે અલ કાયદા પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના ડો. ઈશ્તિયાક કાર કરી રહ્યા હતા, જેઓ ખિલાફતની ઘોષણા કરવાની અને દેશની અંદર ગંભીર આતંકવાદી ગતિવિધિઓ હાથ ધરવાની યોજના બનાવી રહ્યા હતા. સ્પેશિયલ સેલે અત્યાર સુધીમાં રાજસ્થાનના ભિવડીમાંથી છ વ્યક્તિઓની અટકાયત કરી છે, જેઓ હથિયારોના ઉપયોગની તાલીમ લઈ રહ્યા હતા. 3 રાજ્યોમાં 15 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કુલ આઠ શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ પૂછપરછ ચાલુ છે, અને વધારાની ધરપકડની શક્યતા છે. આ સાથે ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો અને આતંકવાદી સાહિત્ય પણ મળી આવ્યું હતું.
સિરિયલ બ્લાસ્ટની તૈયારી
એવું પણ બહાર આવ્યું હતું કે દિલ્હીમાં સિરિયલ ધડાકાની યોજના તૈયાર થઈ રહી હતી. આ ઉપરાંત દેશમાં અલગ અલગ સ્થળે સાર્વજનિક જગ્યાઓ પર ધડાકા કરવાની પણ યોજના હતી.
આતંકવાદી સંગઠન અલકાયદા વિરુદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. રાંચી કટક અલીગઢમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક કાર્બાઇન હથિયાર મળી આવ્યું છે. રાજસ્થાનમાં આતંકવાદી તાલીમ કેમ્પનો પર્દાફાશ થયો છે.
માસ્ટરમાઇન્ડની પૂછતાછ
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં અલકાયદા સાથે જોડાયેલા કુલ 6 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓનું કામ સાર્વજનિક સ્થળોએ હત્યાઓ કરવાનું હતું. દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આતંકવાદીઓને મોટા પાયે હત્યાઓ કરવાની તાલીમ આપવામાં આવી હતી. માસ્ટરમાઇન્ડની પૂછતાછ ચાલી રહી છે.