તાજ મહેલ શાહજહાએ બનાવ્યો નહોતો ? જાણો શું થઈ માંગણી
દુનિયાની 7 અજાયબી પૈકીના એક તાજ મહેલ વિષે હવે નવો દાવો કરાયો છે. હિન્દુ સેનાએ દીલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરીને એવો દાવો દાવો કર્યો છે કે તાજ મહેલ શાહજહાએ નહીં પણ રાજા માન સિંહે બનાવ્યો હતો. અરજીને પગલે હાઇકોર્ટે કહ્યું છે કે આ મામલા પર એએસઆઇ વિચાર કરે.
અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ઇતિહાસને સુધારવાની જરૂર છે. જો કે એએસઆને વિચાર કરવાનું કહીને હાઇકોર્ટે મામલનો નિપટારો જ કરી દીધો હતો. બેન્ચે કહ્યું હતું કે અરજદારોએ આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં આવી માંગણી સાથે અરજી દાખલ કરી હતી. સુપ્રીમે એવી સલાહ આપી હતી કે તમે પુરાતત્વ ખાતા પાસે જાઓ.
આ સલાહ પર હિન્દુ સેનાએ કોઈ નિર્ણય લીધો નહીં અને સીધા હાઇકોર્ટમાં આવી ગયા. હવે અરજીને પગલે હાઇકોર્ટે પણ સુપ્રીમ જેવી જ સલાહ આપી હતી. જો કે આ વખતે પુરાતત્વ ખાતાને જ કોર્ટે કહ્યું છે કે તમે આના પર વિચાર કરો. આ અરજી સુરજીત સિંહ યાદવે કરી હતી. તેઓ પોતાને હિન્દુ સેનાના પ્રમુખ ગણાવે છે.
સુરજીત સિંહ યાદવે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવો દાવો કર્યો હતો કે રાજા માન સિંહે તાજ મહેલ બનાવ્યા બાદ શાહજહાએ તેનું નવીનીકરણ માત્ર કર્યું હતું. ઇતિહાસમાંથી ખોટી હકીકતોને હટાવીને સાચા તથ્ય આપવાની કોર્ટમાં માંગણી કરવામાં આવી હતી.