સની દેઓલના મુંબઈના બંગલાની હરાજી થઈ શકે
બેંકમાંથી લોન લઈને રૂપિયા ભર્યા નથી, 56 કરોડની ઉઘરાણી માટે બેંકે આપી નોટીસ
ફિલ્મ અભિનેતા સની દેઓલ હાલ દરેક જગ્યાએ ચર્ચામાં છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એ જ રીતે બેંકનું કરજ નહીં ચૂકવવા બદલ તેના બંગલા પર પણ જોખમ ઊભું થયું છે અને તેની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે.
બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી માટે જાહેરાત બહાર પાડી છે. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘સની વિલા’ નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જે હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.
આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે આ પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. બેંકની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ‘સની વિલા’ની હરાજી 25 સપ્ટેમ્બરના રોજ થશે. આ હરાજી માટે પ્રોપર્ટીની રિઝર્વ કિંમત 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.