- આતંકીના સહાયકને મોતની સજા, આજીવન કેદવાળા કાયદા પર વિચાર
- કશ્મીરના ડીજીપીએ આપ્યો સંકેત : એનિમી એજન્ટ ઓર્ડિનન્સ-2005 ફરી લાગુ થઈ શકે; 370 હટ્યા બાદ પણ કાયદો અકબંધ છે
વોઇસ ઓફ ડે
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરઆર સ્વૈને કહ્યું હતું કે રાજ્યમાં આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે ‘એનિમી એજન્ટ્સ ઓર્ડિનન્સ, 2005’ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો દેશના દુશ્મનોને મદદ કરે છે તેમની સાથે પણ દુશ્મનો જેવો વ્યવહાર થવો જોઈએ. દુશ્મન એજન્ટ વટહુકમ જે યુએપીએ કરતાં વધુ કઠોર માનવામાં આવે છે. તેમ આજીવન કેદની સજાની પણ જોગવાઈ છે. મોતની સજા પણ આપી શકાય છે.
દુશ્મન એજન્ટ ઓર્ડનન્સ શું છે ?
જમ્મુ અને કાશ્મીરનો દુશ્મન એજન્ટ વટહુકમ પ્રથમ વર્ષ 1917માં રાજ્યના તત્કાલિન ડોગરા મહારાજા દ્વારા લાવવામાં આવ્યો હતો. તેને ‘ઓર્ડિનન્સ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ડોગરા શાસન દરમિયાન બનેલા કાયદાઓને વટહુકમ કહેવામાં આવતા હતા. વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદ થયો અને રજવાડાઓ ભારતમાં ભળી ગયા ત્યારે આ વટહુકમનો પણ ભારતીય કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
370 હટાવ્યા પછી પણ કાયદો અકબંધ રહ્યો
વર્ષ 2019 માં, જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી ત્યારે રાજ્યના કાયદાઓમાં ઘણા ફેરફારો થયા. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો પસાર થયો. જેમાં રાજ્યના કેટલાક જૂના કાયદા જેમના તેમ રાખવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક કાયદા કાં તો બદલવામાં આવ્યા હતા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા હતા. સરકારે દુશ્મન એજન્ટ વટહુકમ અને પબ્લિક સેફ્ટી એક્ટ જાળવી રાખ્યો હતો.
એજન્ટની વ્યાખ્યા શું છે ?
આ કાયદો (એનિમી એજન્ટ્સ ઓર્ડિનન્સ) કહે છે, ‘કોઈપણ વ્યક્તિ જે દેશના દુશ્મનોને મદદ કરે છે, તેમની સાથે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, જવાનોની જીંદગીને ખતરામાં નાખે છે તેવા લોકો એજન્ટની કેટેગરીમાં આવે છે. જો દોષિત સાબિત થાય તો મોતની અને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
