સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બે ૩૦ રૂપિયા વધી ગયા
ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી સિંગતેલ ગાયબ થાય તો નવાઇ નહીં, કારણ કે લોકોના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. આજે રૂપિયા 30ના ઉછાળાથી ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે.
રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજીત 150 રુપિયા ઘટી ગયા હતા,પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.