વિપક્ષોના વિદેશ પ્રવાસ મુદ્દે છીછરું રાજકારણ
કેન્દ્ર સરકારે ભગવત માનને પેરિસ જતાં અટકાવ્યા.સરકાર કિન્નાખોરીથી વિદેશ પ્રવાસો રોકતી હોવાનો આક્ષેપ
પ્રાસંગિક
જગદીશ આચાર્ય
પેરિસ ખાતે યોજાયેલી ઓલિમ્પિક સ્પર્ધામાં આ વખતે ભારતની હોકી ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. એ ટીમમાં પંજાબના ખેલાડીઓ મોટી સંખ્યામાં છે ત્યારે એ ટીમને પાનો ચડાવવા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તારીખ 3 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી પેરિસની મુલાકાતે જવાના હતા પણ કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરી સુરક્ષાનું બહાનું કાઢી તેમના વિદેશ પ્રવાસને મંજૂરી ન આપી.સરકારનું આ વલણ ટીકાને પાત્ર બન્યું છે. ભગવત માન પેરિસ ગયા હોત તો ક્યુ આભ તૂટી પડવાનું હતું? પણ કેન્દ્ર સરકારને કદાચ એ ભય હશે કે ભગવત માન પોલિટિકલ માઇલેજ મેળવી જશે.
વિપક્ષોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર સત્તાનો દુરઉપયોગ કરી વિપક્ષના નેતાઓના વિદેશ પ્રવાસોને ક્ષુલ્લક કારણોસર અટકાવી દે છે. વિપક્ષોના એ આક્ષેપમાં દમ છે. કેવા કેવા પ્રસંગોએ કેન્દ્રની ભાજપ સરકારે વિપક્ષના નેતાઓના વિદેશ પ્રવાસ અટકાવ્યા છે તે જાણીને આઘાત લાગશે. વિપક્ષો કહે છે કે સરકાર જે રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો વિપક્ષના નેતાઓ સામે દુરુપયોગ કરે છે તે જ રીતે વિદેશ પ્રવાસ માટે મંજૂરીની જોગવાઈનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. વિપક્ષો બળાપો કાઢે છે કેભાજપના નેતાઓ અને પ્રતિનિધિ મંડળોને તો આવા કાર્યક્રમો માટે ફટાફટ મંજૂરી મળી જાય છે પણ જ્યારે વાત વિપક્ષની હોય ત્યારે સરકાર પાણીમાંથી પોરા કાઢયે રાખે છે.સરકારે મંજૂરી ન આપી હોય એવા બનાવોની યાદી ખૂબ મોટી છે.તેવા કેટલાક કિસ્સાઓની ઝલક મેળવીએ એ પહેલા વિદેશ પ્રવાસ માટેની મંજૂરીની પ્રક્રિયા સમજી લઈએ.
બોક્સ
વિદેશ પ્રવાસની મંજૂરી માટેની જટીલ પ્રક્રિયા
કોઈ પણ રાજ્યના કે કેન્દ્રના બંધારણીય પદાધિકારીઓને વિદેશ પ્રવાસ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. નિયમ એવો છે કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓએ તેમના ખાનગી કે સત્તાવાર વિદેશ પ્રવાસ માટે કેબિનેટ સેક્રેટરીએટ અને વિદેશ મંત્રાલયને જાણ કરવી પડે છે. કેન્દ્ર સરકારનું પોલિટિકલ તેમ જ એફસીઆરએ (ફોરેન કોન્ટ્રીબ્યુશન ક્લિયરન્સ એક્ટ) ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડે છે. દરેક સરકારી કર્મચારીએ પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ પ્રક્રિયા પૂર્ણ થાય,ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે અને સરકાર મંજૂરી આપે તો જ વિદેશ પ્રવાસ કરી શકાય છે. કેન્દ્રના મંત્રીઓએ પોલિટિકલ ક્લિયરન્સ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સમાં પણ ફાઇલ સબમિટ કરવી પડે છે. લોકસભાના સાંસદોએ સ્પીકરની અને રાજ્ય સભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી પડે છે. સુપ્રીમ કોર્ટ તેમ જ હાઇકોર્ટના ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની મંજૂરી મેળવ્યા બાદ વિદેશ મંત્રાલયની અને કેટલાક કિસ્સાઓમાં ગૃહ મંત્રાલયની પણ મંજૂરી મેળવવી પડે છે. ટૂંકમાં વિદેશ પ્રવાસ ની મંજૂરી માટે અનેક કોઠા વીંધવા પડે છે. મંજૂરી માટેની અરજી અને ફાઇલ સહુ પ્રથમ પીએમઓ માં જાય છે. પીએમઓ બાદમાં એ બધું વિદેશ મંત્રાલયને સોંપે છે. વિદેશ મંત્રાલય બધી વીગતો યજમાન દેશ ખાતેની ભારતની એમ્બેસીને મોકલે છે. એ એમ્બેસી ક્યા વિષયે ભારતીય નેતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,શું કાર્યક્રમ છે,તેમાં ક્યા ક્યા દેશના પ્રતિનિધિઓ આવવાના છે,કોણ કોણ આવવાના છે તે અંગે વિદેશ મંત્રાલયને જાણ કરે છે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇલ ફરી એક વખત પીએમઓ ને મોકલવામાં આવે છે અને તે કચેરી મંજૂરી અંગેનો નિર્ણય કરે છે. જો મંજૂરી ન આપવામાં આવે તો વિદેશ પ્રવાસ થઈ શકતો નથી.
બોક્સ
કેરળ ઉપર કેન્દ્ર સરકારની ખાસ નજર!
2017માં ચીન ખાતે યોજાયેલી ટુરિઝમ કોનફરન્સમાં જતા કેરળના ટુરિઝમ મિનિસ્ટર કે.સુરેન્દ્રને વિદેશ મંત્રાલયે એવું અદભુત કારણ આપીને મંજૂરી નહોતી આપી કે ભારતના એક મહત્વના રાજ્યના મંત્રીને યોગ્ય પ્રોટોકોલનું ચીને પાલન નહોતું કર્યું! આ વર્ષે 20 મી જુને કુવૈતના એક મકાનમાં આગ ફાટી નીકળતા 50 ભારતીયો ભડથું થઈ ગયા હતા. તેમાં કેરળના લોકોની મોટી સંખ્યા હતી. કોના મૃતદેહ સત્વરે ભારત પરત આવે અને અન્ય ઘાયલોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કેરળના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જ કુવેત જવા માગતા હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમને મંજૂરી ના આપી. 2018માં કુવેતમાં જળ હોનારતે મહાવિનાશ વેર્યો હતો. અનેક ગામડાઓ નાશ પામ્યા હતા. હજારો લોકો બે ઘર બની ગયા હતા.કરોડોનું નુકસાન થયું હતું. આ સંજોગોમાં કેરળના પ્રધાનોનું એક જૂથ આર્થિક ભંડોળ મેળવવા માટે વિશ્વના 17 દેશોની મુલાકાતે જવાનું હતું પણ કેન્દ્ર સરકારે એ પ્રવાસને પણ મંજૂરી નહોતી આપી.
બોક્સ
અરવિંદ કેજરીવાલનો વિદેશ પ્રવાસ
દિલ્હીના ઉપ રાજ્યપાલે અટકાવ્યો હતો
સિંગાપુર સરકારે 2022ના ઓગસ્ટ મહિનામાં યોજાયેલ વર્લ્ડ સિટીઝ સમીટમાં ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ પાઠવ્યું હતું. કેજરીવાલે નિયમાનુસાર સરકાર પાસે તેની મંજૂરી માંગી હતી. પણ દિલ્હીના લેફટેનન્ટ ગવર્નર વિ કે સક્સેનાએ તેમની ફાઇલ રિજેક્ટ કરી દીધી હતી. આ સમીટ ખૂબ મહત્વની હતી. દુનિયાના અનેક દેશોના પ્રતિનિધિઓને તેમાં શહેરી શાસન વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા તેમ જ પોતાની શાસન વ્યવસ્થાના મોડેલ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા. શાસન સંદર્ભે કાંઈક વિશિષ્ટ કામગીરી કરનારા નગરો અને રાજ્યોના પ્રતિનિધિઓને જ આ સમીટમાં બોલાવવામાં આવ્યા હતા. કેજરીવાલે 1લી ઓગસ્ટના રોજ ત્યાં દિલ્હી મોડેલ રજૂ કરવાનું હતું પણ સરકારે તેમના પ્રવાસ ઉપર બ્રેક મારી દીધી હતી. કેજરીવાલે સવાલ કર્યો હતો કે મને બોલાવ્યો અને હું જાઉં તેમાં સરકારને આટલો બધો વાંધો શુ છે? જવાબ રૂપે લેફટેનન્ટ ગવર્નરે વાંધો જાહેર કર્યો. તેમના કહેવા મુજબ સિંગાપુરની સમીટ તો મેયરો માટેની હતી. તેમાં મુખ્યમંત્રી કક્ષાના પદાધિકારીએ ન જવાનું હોય. નોંધવા જેવું છે કે એ સમીટમાં પીએમઓના ઇકોનોમિક અડવાઇઝિંગ કાઉન્સિલના સભ્ય સંજીવ સાન્યાલે પણ આમંત્રણ મળ્યું હતું. એટલે આ સમીટ માત્ર મેયરોની સમીટ હતી એ ખુલાસાનો છેદ ઉડી ગયો હતો કેજરીવાલે બાદમાં કહ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોમાં શાસન સંદર્ભે બેનમૂન કામગીરી કરનારા નગરો અને રાજ્યોને આ સમીટમાં બોલાવાયા અને દિલ્હીને આમંત્રણ મળ્યું તે તો ગૌરવની વાત ગણાવી જોઈએ. દિલ્હી સરકારનું શિક્ષણ,આરોગ્ય અને પાવર સેક્ટર મોડેલ આખા વિશ્વમાં વખણાયું છે. આ સમીટમાં તેનું પ્રેઝન્ટેશન કરવાથી ભારતની જ ઈજ્જત વધવાની છે. તો સામે ગવર્નર કહ્યું હતું કે દિલ્હીના શાસનમાં તો MCD,DDA અને NDML પણ સહભાગી છે. એ ક્ષેત્ર એકલી કેજરીવાલ સરકારનું નથી. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે કેજરીવાલ સરકારને જશ મળે છે તે સરકાર સહન કરી શકતી નથી. કેજરીવાલ તો પહેલેથી કેન્દ્ર સરકારના રડાર ઉપર હતા.2019ના ઓક્ટોબર મહિનામાં ડેનમાર્કના કોપનહેગન ખાતે યોજાયેલી ક્લાયમેટ કોનફરન્સ માટે પણ કેજરીવાલને આમંત્રણ મળ્યું હતું. ત્યારે પણ સરકારે તેમના પ્રવાસને વિદેશમંત્રાલયે મંજૂરી નહોતી આપી. તત્કાલિન કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ત્યારે એવું કારણ આપ્યું હતું કે એ કાર્યક્રમ મેયર સ્તરના પદાધિકારીઓ માટે નો હતો. ઉપરાંત તેમાં પશ્ચિમ બંગાળના એક મંત્રી પણ જવાના હતા.એ સંજોગોમાં દિલ્હીના મુખ્યમંત્રી પણ ભાગ લે તો તે શોભસ્પદ ન ગણાય તેમ જણાવી એ ફાઇલ રિજેક્ટ કરી દેવાઈ હતી.
બોક્સ
મમતા બેનર્જીને તો નેપાળ જવાની
મંજૂરી પણ નહોતી આપી
કેજરીવાલની માફક જ મમતા બેનર્જીનો વિદેશ પ્રવાસ પણ કેન્દ્ર સરકારે એક કરતાં વધુ વખત અટકાવ્યો હતો. 2018માં શિકાગો ખાતે મળેલી વર્લ્ડ હિંદુ કોનફરન્સમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભાગ નહોતા લઈ શક્યા.મમતાએ કેન્દ્ર સરકારે મંજૂરી ન આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. વર્લ્ડ ‘હિન્દુ કોન્ફરન્સ’ માટે મમતાને આમંત્રણ મળ્યું તે કદાચ કેન્દ્ર સરકારને હજમ નહોતું થયું. 2021માં રોમ ખાતે વર્લ્ડ પીસ કોનફરન્સ યોજાઈ હતી. આયોજકોએ મમતા બેનરજી ને ખાસ આમંત્રણ આપ્યું હતું. પણ વિદેશ મંત્રાલયે એ સમીટ એક રાજ્યના મુખ્યમંત્રી ભાગ લે એ સ્તરની ન હોવાનું કહી રોક લગાવી દીધી હતી. ભારતનો કોઈ પણ નાગરિક વગર વિઝાએ નેપાળ જઈ શકે છે પણ 2021માં નેપાળી કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે વિદેશ મંત્રાલયે મમતાને નેપાળ જતા પણ રોક્યા હતા.
બોક્સ
તરુણ ગોગોઈને તો ઘરઆંગણે
પણ મનાઈ ફરમાવી દીધી હતી
વિદેશ પ્રવાસ તો સમજ્યા,આસામના સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી તરુણ ગોગોઈનો તો ઘર આંગણે પણ એવો જ અનુભવ થયો હતો. તેમના શાસન દરમિયાન 2011માં બ્રહ્મપુત્રા નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ થયું હતું. એ પુલ તૈયાર થયો ત્યારે આસામમાં ભાજપનું શાસન આવી ગયું હતું. 2017માં વડાપ્રધાન તેનું ઉદ્ઘાટન કરવા ગયા તે પહેલાં ‘સુરક્ષાના કારણોસર’ ગોગોઈને એ પુલની મુલાકાત લેતા અટકાવાયા હતા. ગોગોઈએ પૂછ્યું હતું કે હું શું આતંકવાદી છું? કેજરીવાલે પણ એ જ પ્રશ્ન કર્યો હતો કે હું શું ક્રિમિનલ છું તે સરકાર મને સિંગાપુર નથી જવા દેતી?