સેના વિરુદ્ધ સેનાનો જંગ: ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં સહાનુભૂતિ મોજુ
અનેક બેઠકો પર શિંદે અને ભાજપ વચ્ચે તીવ્ર મતભેદો: મરાઠા આંદોલનની પણ ગાઢ અસર
લોકસભાની ચૂંટણીના પાંચમા ચરણમાં કાલે મહારાષ્ટ્રની અંતિમ 13 બેઠકો પર મતદાન થશે. 2019 માં એ 13 પૈકીની 6 બેઠકો પર ભાજપનો અને 7 બેઠક પર શિવસેનાનો વિજય થયો હતો. કાલે રવિવારે મુંબઈ શહેર, મુંબઈ મેટ્રોપોલિટન અને નાસિક જિલ્લાની બેઠકો પર મતદાન થશે. આ બધા મત ક્ષેત્રો શિવસેનાના ગઢ સમાન છે. શિવસેનાના બે ફાડિયા થયા બાદ હવે આ બેઠકોના પરિણામો નક્કી કરશે કે શિવસેનાનું સંગઠન અને શિવ સૈનિકો ના હૃદયમાં એકનાથ શિંદેનું સ્થાન છે કે ઉદ્ધવ ઠાકરેનું? વળી મુંબઈની બેઠકોનું પરિણામ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ભાવિ નક્કી કરનારું બની રહેશે.બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી શિવસેનાનો ડંકો વાગતો હતો. મુંબઈની લોકસભાની બેઠકોના પરિણામો કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે પણ ભાવિની દિશાની નિર્દેશ આપનારા બની રહેશે.
નોંધનીય છે કે 2019માં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપ અને શિવસેનાનો વિજય થયો હતો. એ સમયે શિવસેનાનું ભાજપ સાથે ગઠબંધન હતું. હવે શિવસેનાના પણ બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં એનડીએ ગત ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરી શકે છે કે કેમ તે મહત્વનું બની રહેશે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર એનડીએ સામે સ્થાનિક પરિબળોને કારણે આ વખતે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપ અને શિવસેના (શિંદે ) નું ગઠબંધન તો થયું પરંતુ હજુ પક્ષના કાર્યકરો એક બીજાને પુરા હૃદયથી સ્વીકારી શક્યા નથી. કેટલીક બેઠકો પર શિવસેના (શિંદે )ના ઉમેદવારો સામે ભાજપની કેડરમાં પ્રચંડ વિરોધ છે. અધુરામાં પૂરું પાંચમા ચરણની ચૂંટણી પહેલા અજીત પવાર ભેદી રીતે નિષ્ક્રિય થઈ જતા એનડીએ ગઠબંધનમાં પણ બધું બરોબર ન હોવાના સંકેતો મળવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે અજીત પવાર ઘાટકોપરમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉપસ્થિત નહોતા રહ્યા.
બીજી તરફ આ ચૂંટણીમાં અણધારી રીતે ‘ગુજરાતી ભાષી વિરુદ્ધ મરાઠી ભાષી ‘ ની લાગણી ઉભરી આવતા રાજકીય ચિત્ર અસ્પષ્ટ બન્યું છે. ભારતીય જનતા પક્ષે ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવી અને એકનાથ શિંદે એ ઉદ્ધવ ઠાકરેની પેટમાં ખંજર ભોક્યું એ લાગણી મરાઠા સમુદાયમાં જોરમાં હોવાનું વિશ્લેષકો માને છે અને મરાઠી મતદારોની સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરેની તરફ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ સંજોગોમાં કાલે થનારી ચૂંટણીના પરિણામો ચોકાવનારા સાબિત થાય તો પણ નવાઈ નહીં તેવું રાજકીય વિશ્લેષકો માને છે.
મુંબઈની આ બે બેઠકો પર એનડીએ માટે કપરા ચઢાણ
*મુંબઈ નોર્થ વેસ્ટ :ભાજપ અને એકનાથ શિંદે વચ્ચેના મતભેદોને કારણે મુંબઈની કમ સે કમ બે સીટ ઉપર એનડીએ માટે કપરાં ચઢાણ છે. મુંબઈ નોર્થ વેસ્ટ ની બેઠક ઉપર એકનાથ શિંદેએ ધારાસભ્ય રવિન્દ્ર વાઈકર ને ટિકિટ આપી છે. વાઈકર અગાઉ ઉદ્ધવ ઠાકરેના ખૂબ નજીકના સાથી હતા. જોકે ઈડી એ તેમની સામે કેસ દાખલ કર્યા બાદ તેમણે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધો હતો. જોવાની ખૂબી એ છે કે આ બેઠક પરના વર્તમાન સાંસદ ગજાનંદ કીર્તિકર હાલમાં એકનાથ શિંદે સાથે છે. શિંદેએ તેમની ટિકિટ કાપી અને તેમના સ્થાને પાટલી બદલું વાઇકરને ટિકિટ આપતા કાર્યકરોમાં અસંતોષ અને નારાજગી છે. અધૂરામાં પૂરું ઉદ્ધવ ઠાકરે એ ગજાનંદ કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને ટિકિટ આપી છે. અર્થાત પિતા શિંદે સાથે અને પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે છે. આ સંજોગોમાં શિંદે જૂથના કાર્યકરો પણ અસંમજમાં છે. એકનાથ શિંદેએ ભ્રષ્ટાચાર ના આક્ષેપો વાળા વાઈકરને ટિકિટ આપતા ભાજપના કાર્યકરો નિરાશ છે.
*મુંબઈ સાઉથ: આ બેઠક ઉપર છેલ્લી બે ચૂંટણીથી ચૂંટાતા અરવિંદ સાવંત શિવસેના ( ઠાકરે ) ના ઉમેદવાર તરીકે ત્રીજી વખત મેદાનમાં છે. તેમની સામે એકનાથ શિંદેએ ધારાસભ્ય યામિની જાદવને ટિકિટ આપી છે. યામીની જાદવ અને તેના પતિ યશવંત જાદવ બંને સામે ઇન્કમટેક્સની તપાસ ચાલુ છે. યામિની જાદવ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ હોવાથી તેમને ટિકિટ ન આપવા ભાજપે અનુરોધ કર્યો હતો. જોકે શિંદે એ પોતાના મનનું ધાર્યું કરતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી છે. બીજી તરફ શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું ત્યારે આ બેઠક ઉપર અરવિંદ સામંતને ભાજપની ગુજરાતી વોટબેંકનું સમર્થન હતું. આજે પણ ગુજરાતી મતદારોમાં અરવિંદ સામંત નોંધપાત્ર વર્ચસ્વ ધરાવે છે અને ઉપરથી આ મત વિસ્તાર હેઠળના ભીંડી બજાર અને મસ્જિદ બજારના મુસ્લિમ મતદારોનું પણ તેમને સમર્થન છે. આ સંજોગોમાં આ બેઠક પણ એનડીએ માટે જોખમરૂપ બની ગઈ છે.
એકનાથ શિંદેના ગઢમાં જ શિવ સૈનિકો ઠાકરે સાથે
કલ્યાણ અને થાણે વિસ્તારને એકનાથ શિંદેના ગઢ માનવામાં આવે છે. તેમના પુત્ર શ્રીકાંત શિંદે 2014 અને 2019 માં કલ્યાણની બેઠક ઉપરથી અખંડ શિવસેનાના ઉમેદવાર તરીકે વિજય થયા હતા. તેમની ઉમેદવારી સામે ભાજપનું મોવડી મંડળ નારાજ હતું.ઉદ્ધવ ઠાકરેએ અહીં કલ્યાણ ડેરકરને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક ઉપર પરંપરાગત રીતે ભાજપ અને શિવસેનાની વચ્ચે હરીફાઈ હતી. હવે ભાજપના કાર્યકરોને એકનાથ શિંદેના ઉમેદવાર માટે કામ કરવું પડે છે એ રોષ છે. તેમાં પણ કલ્યાણના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતા ઉપર ગોળીબાર કર્યો એ ઘટના બાદ શિવસેનાના કાર્યકરોમાં પણ ભાજપ સામે ભારે રોષ છે. કલ્યાણ અને થાણેના મોટાભાગના કોર્પોરેટર અને શિવ સૈનિકો ઉદ્ધવ ઠાકરે સાથે છે.
નાસિક ની બેઠક પર ખરાખરીનો ખેલ
નાસિક ની બેઠક ઉપર એકનાથ શિંદે જૂથના વર્તમાન સાંસદ હેમંત ગોડસે ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ઠાકરેના ઉમેદવાર તરીકે રાજુભાઈ વાજે મેદાનમાં છે. ભારતીય જનતા પક્ષે આ બેઠક ઉપર એનસીપી (અજીત પવાર) જૂથના નેતા છગન ભૂજબળને ટિકિટ આપવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે મહાયુતી ગઠબંધને નામ જાહેર કરવામાં વિલંબ કરતા છંછેડાયેલા છગન ભૂજબળે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. બાદમાં તેમણે શિવ સૈનિકો અને મહારાષ્ટ્રના લોકોની સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરે તરફ હોવાનું નિવેદન આપ્યું હતું. નાસિકની બેઠક ઉપર ભાજપના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હોવાનો આક્ષેપ છે. વળી ડુંગળીની નિકાસના મુદ્દે પણ નાસિકના ખેડૂતોમાં કેન્દ્ર સરકાર અને ભાજપ સામે રોષ પ્રવર્તે છે.
મરાઠા આંદોલન ભાજપ માટે ખતરા સમાન
ભારતીય જનતા પક્ષના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે બે દિવસ પહેલા જ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં મરાઠા અનામત આંદોલનને કારણે ભાજપ અને એનડીએને કેટલીક બેઠકો પર નુકસાન થવાનો ભય દર્શાવ્યો હતો. તેમણે ગુજરાતી – મરાઠી મત વિભાજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારું લક્ષ્ય ગત ચૂંટણીની 41 બેઠકો જાળવી રાખવાનું છે.