સાઉદીના પ્રિન્સની પેલેસ્ટાઇનને સોનેરી સલાહ,’ ભારત જેવા બનો’
પૂર્વ જાસુસીવડાએ હમાસ અને ઇઝરાયેલ બંનેની ઝાટકણી કાઢી
સાઉદી અરેબિયાના એક વયોવૃદ્ધ રાજકુમાર તુર્કી બિન ફેઝલે પેલેસ્ટાઇનને ભારત પાસેથી બોધપાઠ લઈને લશ્કરી કાર્યવાહી દ્વારા નહીં પરંતુ નાગરિક વિદ્રોહ અને કાનૂન ભંગ દ્વારા તખતાપલટનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી. વર્તમાન યુદ્ધ માટે તેમણે હમાસ અને ઇઝરાયેલ બંનેને સરખા જવાબદાર ગણાવ્યા હતા.
યુએસ યુનિવર્સિટી ખાતે સંબોધન કરતા તેમણે કહ્યું કે કોઈપણ દેશના લોકોને પોતાની ભૂમિ ઉપરનો વિદેશી કબજો દૂર કરાવવાનો અધિકાર છે. એ માટે લશ્કરી વિકલ્પ પણ અપનાવી શકાય પરંતુ હું પેલેસ્ટાઇનના લશ્કરી વિકલ્પને સમર્થન નથી આપતો. હું નાગરિક વિદ્રોહ અને કાનૂન ભંગનો વિકલ્પ પસંદ કરું છું. તેમણે કહ્યું કે એવા આંદોલન દ્વારા જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અને યુરોપમાં સોવિયત સામ્રાજ્યનો અર્થ થયો હતો.
78 વર્ષના રાજકુમાર તુર્કી બિન ફૈઝલ 24 વર્ષ સુધી સાઉદીના જાસુસી વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ હાલમાં કોઈ હોદ્દા ઉપર નથી પરંતુ તેમના મંતવ્યમાં સાઉદી અરેબિયાની નીતિનો પડઘો પડતો હોવાનું માનવામાં આવે છે.
હમાસ અને ઇઝરાયલ બંને સમાન જવાબદાર
ઇઝરાયેલના નાગરિકોના અપહરણ અને હત્યાના હમાસના કૃત્યને તેમણે ઇસ્લામ વિરોધી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ કૃત્ય દ્વારા હમાસે ઇઝરાયેલને આક્રમણ કરવાનું અને વંશીય નિકંદન કાઢવાનું બહાનું આપી દીધું છે. પ્રિન્સે વધુમાં કહ્યું કે ઇઝરાયેલ નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યાઓ કરતું રહ્યું છે. નિર્દોષ નાગરિકોને જેલમાં પૂરી દેવામાં આવે છે અને ઇઝરાયલે પેલેસ્ટાઇનની ભૂમિ પચાવી પાડી છે. તેમણે પશ્ચિમના રાજનેતાઓને આડે હાથે લેતા ટીકા કરી કે ઇઝરાયેલના નાગરિકોના મોત ઉપર આંસુ સારતા આ નેતાઓ પેલેસ્ટેનિયન નાગરિકોના મૃત્યુ બદલ દુઃખ પણ વ્યક્ત નથી કરતા.