રાહુલ ગાંધીની મુશ્કેલી વધી : મોદી સરનેમ માનહાનિ કેસ છઠ્ઠી જુલાઈએ કોર્ટમાં થવું પડશે હાજર
મોદી સરનેમ કોમેન્ટ અંગેના માનહાનિ કેસમાં રાંચી કોર્ટમાં નિવેદન નોંધાશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભમાં વિપક્ષના નેતા બન્યા છે પણ અદાલતોમાં હાજરી આપવાની એમની કસરત ચાલુ જ રહેવાની છે. મોદી સરનેમને લઈને ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે રાહુલ પર આરોપ નક્કી કરવામાં આવશે. રાંચીની એમપી/એમએલએ કોર્ટે ગત દિવસોમાં આરોપ રચનાના પોઈન્ટ પર સુનાવણી માટે 6 જુલાઈની તારીખ નક્કી કરી છે. આરોપ ઘડવા દરમિયાન કોર્ટેમાં નિવેદન નોંધાવવા માટે રાહુલ ગાંધીને રાંચીની એમપી/એમએલએ કોર્ટ આવવું પડશે.
વકીલ પ્રદીપ મોદી દ્વારા 23 એપ્રિલ 2019એ નોંધાયેલા મામલાને 30 સપ્ટેમ્બર 2021એ એમપી/એમએલએ કોર્ટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો. તે બાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું. આની પર રાહુલે અરજી દાખલ કરીને હાજરીથી છુટ માગી, જેને કોર્ટે ફગાવી દીધી. હવે નિવેદન નોંધાવવા માટે રાહુલે કોર્ટ આવવું પડશે.
વકીલ પ્રદીપ મોદીએ સિવિલ કોર્ટ રાંચીમાં 23 એપ્રિલ 2019માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદકર્તાએ અરજીમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મોદી સરનેમ ધરાવતા લોકોને લઈને જે ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર મોદી સમાજને ઠેસ પહોંચી છે. તેથી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
2019 લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક ટિપ્પણી કરી હતી, જેનાથી ઠેસ પહોંચતાં વકીલ પ્રદીપ મોદીએ તેમના વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો હતો. આવો જ એક કેસ ગુજરાતમાં ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ પણ કર્યો હતો. જેમાં રાહુલગાંધીને બે વર્ષની સજા સંભળાવાઈ હતી. સુરત કોર્ટના આ આદેશ બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવાઈ ગયું હતું. જોકે, બાદમાં હાઈકોર્ટની રોક બાદ તેમને ફરી સભ્યપદ મળી ગયું હતું.
