રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે: કિશોરી લાલ શર્માને કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ
કોંગ્રેસે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી લોકસભા સીટ માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ બંને બેઠકો પર નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં પાર્ટીએ છેલ્લી ઘડીએ નિર્ણય લીધો છે કે રાહુલ ગાંધી રાયબરેલીથી અને કિશોરી લાલ શર્મા અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કેએલ શર્મા સોનિયા ગાંધીના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. આ સાથે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસે તેની સત્તાવાર જાહેરાત કરી છે.
રાહુલ ગાંધી ઉમંદવારી નોંધાવવા માટે રાયબરેલી પહોંચી ગયા છે. તેમની સાથે માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને અશોક ગેહલોત પણ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાયબરેલી પહોંચી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભાજપે રાયબરેલી લોકસભા બેઠક માટે દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપી છે. ત્યારે ચૂંટણીમાં રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ વચ્ચે જંગ જામશે.
અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ આપવામાં આવી છે. સ્મૃતિએ 29 એપ્રિલે ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું. આજે કિશોરી લાલ ઉમેદવારી પત્ર ભરશે. પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત કિશોરી લાલના નોમિનેશનમાં હાજરી આપવા અમેઠી પહોંચ્યા છે.