નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી, રાહુલ ગાંધી અમારા પી.એમ.પદના ઉમેદવાર : ગેહલોત
વિપક્ષનું ગઠબંધન ભાજપનો સામનો કરવા સજ્જ : પંડિત નહેરુએ ઇસરોની સ્થાપના કરી હતી અને હવે દેશ આગળ વધી રહ્યો છે.
રાજસ્થાનમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના કારણે જ મોદી દેશના પીએમ બન્યા છે. પણ હવે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વચનો પર ખરા ઉતર્યા નથી. તેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ ગણાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું કે હવે રાજસ્થાનમાં કોઈપણ આવે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી ઘટી રહ્યો છે અને લોકસભા ચૂંટણી 2024માં વિપક્ષી ગઠબંધન ચોક્કસ સફળ થશે. બીજી તરફ વડાપ્રધાન પદ માટે વિપક્ષની ઉમેદવારી પર અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદના અમારા ઉમેદવાર છે અને આવનારી ચૂંટણીમાં અમે સફળ રહીશું.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને અશોક ગહેલોતે કહ્યુ કે, તે દિવસ બાદ અમારૂ શાનદાર અભિયાન શરૂ થશે. તેમણે ઉમેર્યુ કે, 50 ટકા ક્યારેય ભાજપ હાંસલ કરી શકશે નહીં અને વિપક્ષો પર પણ એકજૂથ એક થવા જનતાનું દબાણ છે.
અશોક ગેહલોતને પૂછવામાં આવ્યું કે ગઠબંધન થઈ ગયું છે પરંતુ ઘણી પાર્ટીઓમાં મતભેદ છે અને તે અલગ-અલગ રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. આ અંગે અશોક ગેહલોતે કહ્યું કે આજે દેશમાં જે સ્થિતિ છે, જનતાનું અમારા પર એટલું દબાણ છે કે અમારે સાથે આવવું પડ્યું.
તેમણે કહ્યું કે તમામ પક્ષોએ જે ગઠબંધન રચ્યું છે તેના પર ચર્ચા કરી અને ત્યાર બાદ જ તેને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે એનડીએનો સામનો કરવા તૈયાર છીએ.
ઈસરોની સ્થાપનામાં કોંગ્રેસના પંડિત જવાહરલાલ નહેરુજીનું યોગદાન
ચંદ્રયાન 3 અંગે અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નેહરુએ ઈસરોની સ્થાપના કરી હતી. જો આજે ISRO ન હોત તો ચંદ્રયાન કેવી રીતે જતુ. તેમણે કહ્યું કે પંડિત નેહરુએ જે પાયો નાખ્યો હતો જેનાથી આજે દેશ આગળ વધી રહ્યો છે.