લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું રાષ્ટ્ર જોગ ઉદબોધન
આખો દેશ મણિપુરની સાથે હોવાનું આશ્વાસન આપ્યું.
‘આવતા વર્ષે પણ હું જ ધ્વજ વંદન કરાવીશ’ :મોદી
દેશના 77 માં સ્વાતંત્ર દિવસે લાલ કિલ્લા ઉપરથી ઉદબોધન કરતા વડાપ્રધાન મોદીએ આવતા પાંચ વર્ષમાં ભારત વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાનો તેમ જ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જવનો વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો. 90 મિનિટના તેમના અસ્ખલિત ઉદબોધનમાં તેમણે સરકારની સિદ્ધિઓ વર્ણવવા ઉપરાંત નારી શક્તિ,સામાજિક ન્યાય, યુવા શક્તિ ,પરિવારવાદ, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ તેમજ ટેકનોલોજી અને આંતરમાળખાકીય સુવિધા ના નિર્માણમાં આધુનિકતાની જરૂરિયાત જેવા મુદ્દા વણી લીધા હતા. વડાપ્રધાને મણિપુરની હિંસા અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર સમાધાન માટે કાર્યરત હોવાનું જણાવ્યું હતું. મોદીએ તેમની સરકારની નીતિઓને કારણે 13.5 કરોડ લોકો ગરીબી રેખા માંથી બહાર આવી ગયા હોવાનો દાવો કર્યો હતો. તેમણે અન્ય રાજકીય પક્ષોના પરિવારવાદ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવતા વર્ષે પણ પોતે જ લાલ કિલ્લા ઉપર થી ધ્વજવંદન કરશે તેવી ઘોષણા કરી હતી.વડાપ્રધાને પરંપરાગત ‘ભાઈઓ અને બહેનો’ તેમ જ ‘!મેરે પ્યારે દેશવાસીઓ’ ના સંબોધનને બદલે ‘ મારા પરિવારજનો ‘ શબ્દ વડે ઉદબોધનનો પ્રારંભ કર્યો હતો અને પોતાના માટે દેશ જ પરિવાર હોવાનું જણાવ્યું હતું.
બોક્સ: કયા શબ્દો કેટલી વખત બોલ્યા?
ભારત – 110
વિશ્વ -63
પરિવારજન – 48
સામર્થ્ય – 43
ભ્રષ્ટાચાર – 14
તુષ્ટિકરણ – 10
યોજનાઓ : લખપતિ દીદી: મહિલાઓને પ્લમ્બિંગ, એલઇડી બલ્બ ઉત્પાદન તેમજ ડ્રોન સંચાલન જેવા કાર્યોમાં કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ માટે લખપતિ દીદી યોજના. આ યોજના હેઠળ બે કરોડ મહિલાઓને પ્રશિક્ષિત કરાશે.
વિશ્વકર્મા યોજના : સોની કારીગરો,સુથાર, મિસ્ત્રી, વાણંદ તેમજ ઓજાર અને હાથ વડે કામ કરનારા લોકો માટે વિશ્વકર્મા જયંતિથી આ યોજનાનો પ્રારંભ થશે તેના માટે 13 થી 15 હજાર કરોડની ફાળવણી કરાશે.
મણીપુર : મણીપુરમાં અને હિન્દુસ્તાનના કેટલાક ભાગોમાં હિંસામાં અનેક લોકોના મૃત્યુ થયા. માતાઓ અને બેટીઓનું અપમાન થયું.હવે ઘણા દિવસોથી લગાતાર શાંતિના સમાચાર મળી રહ્યા છે.આખો દેશ મણીપુર ની સાથે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમાધાન માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે.
તુલના : 2014માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત દસમા સ્થાન ઉપર હતું આજે પાંચમા સ્થાન ઉપર છે. પહેલા ગરીબોના ઘર બનાવવા માટે 90,000 કરોડનો ખર્ચ થતો હતો હવે ચાર લાખ કરોડનો ખર્ચ થાય છે.
આતંકવાદ : આતંકવાદી પ્રવૃત્તિઓ અને માઓઇસ્ટ હુમલાઓમાં ઘટાડો થયો છે. હવે દેશના લોકો ને ભયભીત કરતી ભેદી બેગો જોવા મળતી નથી. લોકો સલામતી મહેસુસ કરી રહ્યા છે
હુંકાર : આવતા વર્ષે 15 મી ઓગસ્ટે ફરી એક વખત આ સ્થળેથી દેશની સિદ્ધિઓ અને વિકાસની વિગતો જનતા સમક્ષ રજૂ કરીશ.
વિશેષતા : લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ નજીક ચીન લની ગતિવિધિઓ વધી છે ત્યારે ભારત સરકારે
એલ.એસ.સી નજીકના ગામડાઓના વિકાસ માટે શરૂ કરેલ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ માં આવરી લેવાયેલા અરુણાચલ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને લડાકના 632 ગામના સરપંચો અને ઉપસરપંચો વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉજ્જવળ ભાવિ: મોદીએ કહ્યું હતું કે અમે અત્યારે જે કરશું, જે ત્યાગ કરશું, તપશ્ચર્યા કરશું તે દેશના આવતા એક હજાર વર્ષના સુવર્ણ ઇતિહાસનો પાયો બની રહેશે.