વડાપ્રધાને 3 નવી વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી
- યુપી, કર્ણાટક અને તામિલ નાડુની જનતાને આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ’મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ દેશને ત્રણ નવી વંદે ભારત ટ્રેનો સોંપી હતી. તેમણે મેરઠથી લખનૌ, મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકોઈલને જોડતી ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વિડીયો કોન્ફરન્સ દ્વારા ફ્લેગ ઓફ કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ મહત્વપૂર્ણ છે.
એક ઉત્તર પ્રદેશ અને બે વંદે ભારત ટ્રેન તમિલનાડુ અને કર્ણાટકમાં દોડશે. વડાપ્રધાને અત્યાર સુધી દેશના અનેક રાજ્યો અને તેના શહેરોની જનતા માટે આ ટ્રેનો આપી છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે તમિલનાડુ અને કર્ણાટક માટે બજેટની ફાળવણીમાં વધારો થવાથી દક્ષિણના રાજ્યોમાં રેલ પરિવહન મજબૂત બન્યું છે. મેરઠ સિટી-લખનૌ વંદે ભારત ટ્રેન મુસાફરોને બે શહેરો વચ્ચેની હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ એક કલાક વહેલા લઈ જશે. એ જ રીતે ચેન્નાઈ એગમોર-નાગરકોઈલ વંદે ભારત ટ્રેન દ્વારા બે કલાકથી વધુ સમય અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન દ્વારા લગભગ દોઢ કલાકનો સમય બચશે.
આગામી દિવસોમાં હજુ પણ નવા શહેરોમાં આ ટ્રેન સેવા શરૂ થવાની છે અને તેના માટે કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન દેશભરમાં આ સેવાને પહોંચાડવા માટે કટિબધ્ધ છે. સરકારે આ ટ્રેનો માટે જંગી ફાળવણી કરી છે.