PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત : અસરગ્રસ્તો સાથે કરી વાતચીત
- વડાપ્રધાન મોદીએ વાયનાડમાં કર્યું હવાઈ નિરીક્ષણ
- અધિકારીઓને સૂચના આપી : અસરગ્રસ્તો સાથે વાત કરી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ભૂસ્ખલનથી પ્રભાવિત ચુરલમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામની સ્થિતિનો અભ્યાસ કર્યો. તેઓ લગભગ 11.15 વાગ્યે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ જવા રવાના થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ વડાપ્રધાન સાથે વાયનાડ પહોંચ્યા હતા. વડાપ્રદઝાને કેટલાક અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી.
હવાઈ સર્વેક્ષણ પછી, મોદીનું હેલિકોપ્ટર કાલપેટ્ટામાં એસકેએમજે હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉતર્યું હતું. , જ્યાંથી તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં આગળ વધ્યા હતા.
વડા પ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કેરળ સરકારે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે 2,000 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે. કેરળના વાયનાડ જિલ્લામાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 226 લોકો માર્યા ગયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.