વન નેશન વન ઇલેક્શન પાક્કું?
સંસદના વિશેષ સત્રમાં બીલ રજૂ કરી દેવાનો સરકારનો વ્યુહ
સંભાવનાઓ ચકાસવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વટ પણ હેઠળ સમિતિ નું ગઠન
એવું લાગે છે કે લોકસભા અને ધારાસભાની ચૂંટણી એક સાથે જ યોજવાનો ભાજપે મક્કમ નિર્ધાર કરી લીધો છે.ચૂંટણી પ્રક્રિયામાં આ સુધારો કરવા માટે સંવિધાનમાં સુધારો કરવો આવશ્યક છે.આ અંગેની સંભાવનાઓ ચકાસવા માટે તેમ જ તમામ રાજકીય પક્ષો સાથે એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના અધ્યક્ષ પદ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પહેલેથી જ લોકસભા અને ધારાસભાની ચૂંટણી એક સાથે કરવાની વકાલત કરતા આવ્યા છે. ભાજપે 2014 ના ચૂંટણી ટંઢેરામાં પણ આ મુદ્દો વણી લીધો હતો. ભારતમાં લોકસભાની ચૂંટણીનો અંદાજે ૬૦ હજાર કરોડ રૂપિયા જેવો જંગી ખર્ચ થાય છે. એ જ રીતે વિવિધ રાજ્યની ધારાસભાની ચૂંટણીઓ માટે પણ હજારો કરોડનો ખર્ચ કરવામાં આવે છે. બંને ચૂંટણી સાથે થાય તો ખર્ચ બચાવી શકાય એવી સરકારની દલીલ છે.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે ભારતમાં 1967 સુધી લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાઈ હતી પણ 1968માં કેટલીક વિધાનસભાઓના અડધી મુદતે જ વિસર્જન થયા અને 1971 માં લોકસભા ભંગ થઈ તે પછી ટાઈમ ટેબલ વિખેરાઈ ગયું હતું. આ અગાઉ 1983 માં ચૂંટણી પંચે પણ બંને ચૂંટણીઓ એક સાથે કરવાની ભલામણ કરી હતી. વિધિ આયોગે પણ એ જ હેતુનો મત વ્યક્ત કર્યો હતો.
બંને ચૂંટણીઓ એક સાથે કરવા માટે ચૂંટણી પંચ તૈયાર હોવાનું 2022 માં તત્કાલીન ચીફ ઇલેક્શન કમિશનર સોશિયલ ચંદ્રએ જણાવ્યું હતું. હવે કેન્દ્ર સરકારે સમિતિનું ગઠન કરીને એ દિશામાં નિર્ણાયક પગલા લેવાના સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે.18મી સપ્ટેમ્બરથી મડનારા સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
હયાત વિધાનસભાઓનું શું થાય?
2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ લોકસભા અને ધારાસભાની ચુંટણી એક સાથે કરવાનો સુધારો અમલમાં આવે તો દેશની તમામ વિધાનસભાઓનું વિસર્જન કરવું પડે અથવા તો 2029ની લોકસભાની ચૂંટણી પહેલાં જેની મુદત પૂરી થતી હોય એ રાજ્યોમાં મુદત પૂરું થયા બાદ 2029ની લોકભાની ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ શાસન લાદ્વું પડે.આ વર્ષે યોજાનારી રાજસ્થાન,મધ્ય પ્રદેશ,તેલંગણા,છત્તીસગઢ અને મિઝોરમની ધરાસભાની ચૂંટણીઓ પણ મોડી થઈ શકે છે.
રાજકીય કારણો
લોકસભાની ચૂંટણીમાં લોકો વડાપ્રધાન મોદીના નામ ઉપર મત આપે છે.ધારાસભાની ચૂંટણીઓમાં જે તે રાજ્યોની સ્થાનિક સમસ્યાઓ,રાજકીય પક્ષોના પરફોર્મન્સ અને સ્થાનિક નેતૃત્વ જેવા પરિબળો ચૂંટણીના પરિણામ નક્કી કરે છે.ધારાસભાની ચૂંટણીમાં મોદી કાર્ડ એટલું અસરકારક સાબિત નથી થતું તે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,છતિસગઢ,હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની ચૂંટણીમાં પુરવાર થયું હતું.બન્ને ચૂંટણીઓ એક સાથે થાય તો ધારાસભાની ચૂંટણીમાં પણ મોદીના ચહેરાનો લાભ મળે તેવો ભાજપનો વ્યૂહ છે અને એટલે જ વિપક્ષો તેનો વિરોધ કરે છે.
કયા રાજયમાં ક્યારે આગામી ચૂંટણી?
2025: દિલ્હી અને બિહાર
2026: આસામ, પશ્ચિમ બંગાળ તામિલનાડુ પૂડુચરી અને કેરળ
2027:ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત,
પંજાબ, મણીપુર અને હિમાચલ પ્રદેશ
2028: ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ કર્ણાટક છત્તીસગઢ મિઝોરમ મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગણા