કચરો વીણનારાની પોલીસે કરી ધરપકડ
પોલીસે 12 કલાકની અંદર આરોપી વિક્રમ આઠવલેને પકડી પાડ્યો છે.
નાના શહેરોમાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં આવીને ઊંચે ઉડવાના સપના જોતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાયપુરની મૂળ વતની અને મુંબઈમાં રહેતી 23 વર્ષીય ફ્લાઈટ અટેન્ડન્ટની હત્યા થઈ છે. અંધેરી (ઈસ્ટ)ના મરોલમાં પોતાની કઝિન સાથે 1BHK ફ્લેટમાં રહેતી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ રવિવારે રાત્રે મળી આવ્યો હતો. તેની હત્યાના આરોપમાં સોમવારે બિલ્ડિંગમાં કચરો વીણવા આવતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના હેતુસર હત્યા કરવામાં આવી કે કેમ તે અંગે પોલીસે ચોક્કસ ખુલાસો કર્યો નથી. હાલ તો ફોરેન્સિક એક્સપર્ટ્સે વધુ તપાસ માટે યુવતીના વિસરાના સેમ્પલ લીધા છે.
23 વર્ષીય રૂપલ ઓગ્રેના હાલચાલ પૂછવા માટે તેની કઝિનના ફ્રેન્ડ્સમાંથી એક ત્રીજા માળે આવેલા તેના ફ્લેટ પર રાત્રે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. ઘણાં બેલ વગાડ્યા પછી પણ રૂપલે દરવાજો ના ખોલતાં તે ચાવી બનાવવાવાળાને બોલાવી આવ્યો અને તાળું ખોલાવ્યું હતું. દરવાજો ખોલતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. અર્ધનગ્ન હાલતમાં રૂપલનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો. તેના ગળાના ભાગ પર બે ઊંડા ઘા હતા. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મરોલ-મિલિટ્રી રોડ પર આવેલી એનજી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા ફ્લેટમાંથી જ રૂપલનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઘટનાના 12 કલાકની અંદર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે બિલ્ડિંગના સાફ-સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ સહિત 45થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જે બાદ પવઈ પોલીસે કચરો વીણનારા 35 વર્ષીય વિક્રમ અઠવાલની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે, વિક્રમે રૂપલ સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હશે અને તેણે પ્રતિકાર કરતાં વિક્રમે તેની હત્યા કરી નાખી. પોલીસના કહેવા પ્રમાણે, રવિવારે સવારે 11.30 કલાકથી 12ની આસપાસ રૂપલની હત્યા કરવામાં આવી હતી. હાલ તો પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 307 અંતર્ગત વિક્રમ અઠવાલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને કથિત રીતે તેણે હત્યા માટે વાપરેલા ચપ્પુને શોધી રહી છે.