ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર ભાજપને મોટો ઝાટકો : અશોક ચૌહાણના બહેન અને બનેવી કોંગ્રેસમાં જોડાયા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અને નાંદેડ લોકસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભગવો ધારણ કરનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણના બહેન ડોક્ટર મિનલ પાટીલ ખતગાવકર, તેમના પતિ અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ ખતગાવ કર અને પૂર્વ ધારાસભ્ય પ્રકાશ પોકરણા શુક્રવારે વાજતે ગાજતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
અશોક ચૌહાણના બેન ડોક્ટર મિનલે નાંદેડ ની બેઠક માટે લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસે ટિકિટ માગી હતી પરંતુ ભાજપે પૂર્વ સાંસદ પ્રતાપ પાટીલ ચીખલીકરને ટિકિટ આપતા તેઓ નારાજ થયા હતા.
શુક્રવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરનાર ભાસ્કરરાવ પાટીલે કહ્યું કે મારુ કુળ અને મૂળ કોંગ્રેસનું છે. હું થોડો સમય ભાજપમાં ગયો હતો પરંતુ હવે ફરી મારા ઘરે પરત ફર્યો છું. તેમણે કોઈપણ જાતની અપેક્ષા વગર ઘરવાપસી કરી હોવાનો દાવો કર્યો હતો.
નોંધનીય છે કે નાંદેડ વિસ્તારને અશોક ચૌહાણનો ગઢ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ તેઓ પાટલી બદલી અને ભાજપમાં જોડાઈ ગયા હતા પરંતુ તે પછી પણ નાંદેડ ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વસંત ચૌહાણનો વિજય થયો હતો. તેમનું અવસાન થતાં ધારાસભાની ચૂંટણી સાથે જ એ બેઠક ઉપર લોકસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. આ વગદાર નેતાઓ કોંગ્રેસમાં જોડાતા ધારાસભાની ચૂંટણીમાં તેની અસર પડશે તેવું માનવામાં આવે છે.