મહારાષ્ટ્રઃ ડોમ્બિવલીની ફેક્ટરીમાં બોઈલર ફાટતા લાગી ભીષણ આગ ; 4ના મોત, 30 ઘાયલ
છેલ્લા ઘણા સમયથી ફેક્ટરીમાં આગ લાગવાની અનેક ઘટનાઓ દેશમાં સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના આજે મહારાષ્ટ્રમાં બની હતી જેમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો, જેનો પડઘો આસપાસના વિસ્તારોમાં કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ અને આગમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ થાણેના MIDC વિસ્તારના ફેઝ 2 સ્થિત ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા કર્મચારીઓ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોઈલરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આટલા મોટા વિસ્ફોટ અને આગના સમાચાર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર ફાયર ફાયટર ઘટનાસ્થળે મોકલ્યા, જ્યારે સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફેક્ટરીની અંદર આગને કારણે ધુમાડો નીકળ્યો હતો જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આ ધુમાડો જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા. જે બાદ માનપાડા પોલીસે સામાન્ય લોકોની ભીડને સ્થળ પરથી હટાવવી પડી હતી.
ડેપ્યુટી સીએમએ શું કહ્યું?
ડેપ્યુટી સીએમ ફડણવીસે આ મામલે કહ્યું છે કે બોઈલર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. અંદર ફસાયેલા બાકીના લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આ મામલે સ્થાનિક કલેક્ટર સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે શોધ અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે.
દુર્ઘટના મામલે આઠ લોકો સસ્પેન્ડ
આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં આ વાત આપી હતી. ફડણવીસ હાલમાં દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું, “ડોમ્બિવલી MIDCમાં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટની ઘટના દુઃખદ છે. 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. “ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.”