સુપ્રીમ કોર્ટમાં દલીલો કરનાર કાશ્મીરના અધ્યાપક સસ્પેન્ડ
જમ્મુ કાશ્મીર સરકારે ધોકો ઉગામ્યો
370 મી કલમ રદ કરવાનો વિરોધ કર્યો હતો
370 મી કલમ રદ કરવાના નિર્ણયને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન એ નિર્ણયના વિરોધમાં દલીલો કરનાર શ્રીનગરની સરકારી હાઈસ્કૂલના અધ્યાપક ઝહિર અહમદને જમ્મુ કાશ્મીર સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. ઝહુર અહેમદ શ્રીનગરમાં જવાહર નગર સ્થિત સરકારી હાઈસ્કૂલમાં પોલિટિકલ સાયન્સના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ( કંડક્ટ) રૂલ્સ ની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું જણાવી તેમની સામે આ પગલું લેવાયું હતું.
ઝહુર અહમદ ભટ્ટ એડવોકેટ પણ છે.સર્વોચ્ચ અદાલતમાં તેમણે કહ્યું હતું કે હું ભારતના રાજકારણના વિષય ઉપર શિક્ષણ આપું છું. પણ 2019 પછી આપણા સુંદર બંધારણ અંગે શિક્ષા આપવાનું મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓ મને પૂછે કે શું 2019 પછી પણ આપણો લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે જવાબ કેમ આપવો તે મને સમજાતું નથી. તેમણે વિશેષમાં કહ્યું હતું કે તત્કાલીન ગવર્નર સત્યપાલ મલિકે જમ્મુ કાશ્મીર માંથી 370 મી કલમ દૂર નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી પણ ચોથી ઓગસ્ટે મધરાત્રે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો અને પૂર્વ મુખ્યમંત્રીને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા. સરકારના પગલાને તેમણે બંધારણના મૂળ હાર્દના ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું.જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારી હોવા છતાં સરકારના નિર્ણય સાથે સંમત ન થવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. નોંધનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ સરકારની નીતિ અંગે ફેસબુક ઉપર ટીકાત્મક પોસ્ટ મુકનાર રામબનની સરકારી શાળાના શિક્ષક જોગિન્દર સિંઘ ને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.