કરો મીઠા મોઢા; 8મા વેતન પંચને મંજૂરી
1 કરોડ કેન્દ્રીય કર્મી અને પેન્શનરોને બજેટ પહેલા જ મોદી સરકારની ભેટ; 2026 થી લાગુ થશે : સેલેરી અને પેન્શનમાં જબરો વધારો થશે; ટૂક સમયમાં અધ્યક્ષ અને સભ્યો નિમાશે
અંતે એક કરોડ જેટલા કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરોને જેની લાંબા સમયથી રાહ હતી તે કામ અંતે થઈ ગયું છે . ગુરુવારે કેન્દ્રીય કેબિનેટે 8 મા વેતન પંચની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. આમ મોદી સરકારે બજેટ પહેલા જ કર્મીઓને મોટી ભેટ આપી દીધી હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શ્રીહરિકોટામાં ત્રીજું લોંચપેડ બનાવવાની દરખાસ્તને પણ લીલીઝંડી અપાઈ હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુજબની જાહેરાત કરીને કહ્યું હતું કે આ પંચની ભલામણો 2026 થી લાગુ થશે. 8 મા વેતન પંચના અધ્યક્ષ અને તેના બે સભ્યોના નામ પણ ટૂક સમયમાં જ જાહેર કરાશે. આ પહેલા 7 મુ વેતન પંચ 2016 માં રચાયું હતું. તેનો કાર્યકાળ 2026 સુધીનો છે .
એમણે કહ્યું હતું કે સૂચનો અને ભલામણો વગેરેને સારી રીતે હેન્ડલ કરી શકાય તે માટે 8 મા વેતન પંચની જાહેરાત વહેલી કરાઇ છે. અત્યાર સુધી કર્મીઓ અને પેન્શનરોને 7 મા પંચ મુજબ સેલેરી અને પેન્શન સહિતના લાભ મળી રહ્યા હતા. હવે 8 મા વેતન પંચ મુજબ આ બધુ મળશે.
ન્યૂનતમ વેતનમાં લગભગ 186 ટકાનો વધારો થશે
8 મા પંચ લાગુ થયા બાદ મિનિમમ વેતન રૂપિયા 34560 થઈ જવાનું અનુમાન છે . એ જ રીતે પેન્શન તરીકે રૂપિયા 17280 અને ડીઆર મળવાની આશા છે . એનો અર્થ એવો થાય છે કે ન્યૂનતમ વેતનમાં લગભગ 186 ટકાનો વધારો થઈ જશે. જો પ્રમોશન થાય અને સેલેરી વધે તો પેન્શન પણ વધી જશે. આમ કેન્દ્રીય કર્મીઓ માટે વહેલી દિવાળી આવી ગઈ છે . એમની લાંબા સમયની માંગને પૂરી કરાઇ છે.
શ્રીહરિકોટામાં ત્રીજું લોંચપેડ બનશે;
રૂપિયા 3985 કરોડનો ખર્ચ થશે
દરમિયાનમાં 8 મા વેતન પંચને મંજૂરી આપવા સાથે કેન્દ્રીય કેબિનેટે શ્રીહરિકોટા ખાતે ત્રીજા લોંચપેડના નિર્માણ માટેની દરખાસ્તને પણ લીલીઝંડી આપી દીધી હતી. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 3985 કરોડનો ખર્ચ કરવામાં આવશે . આ કામ 48 મહિનામાં પૂરું કરવામાં આવશે . અત્યારે અહીં 2 લોંચપેડ છે. ત્રીજો લોંચપેડ આગલા 2 કરતાં વધુ આધુનિક અને વધુ ક્ષમતા ધરાવતું હશે. સ્પેસ સેક્ટરની ભવિષ્યની જરૂરિયાતોને નજરમાં રાખીને ત્રીજો પેડ બનાવાશે.