J-K વિધાનસભા ચૂંટણી: ફારુક અબ્દુલ્લાની જાહેરાત, નેશનલ કોન્ફરન્સ કરશે કોંગ્રેસ સાથે ગઠબંધન
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી જાહેર થઇ ગઈ છે અને રાજકીય પક્ષોમાં દોડધામ શરુ થઇ ગઈ છે. આજે શ્રીનગરની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સનાં વડા ફારુક અબ્દુલ્લા વચ્ચે બેઠક થઇ હતી અને તેમા વિધાનસભાની તમામ ૯૦ બેઠક સાથે મળીને લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફારુક અબ્દુલ્લાએ પત્રકારોને કહ્યું હતું કે, અમે બધી બેઠક ઉપર ચૂંટણી લડશુ અને ૧૦ ઉમેદવારોની પહેલી યાદી આજે એટલે કે શુક્રવારે બહાર પડશુ. દરમિયાન રાહુલ ગાંધીએ કાર્યકરોને પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની પ્રજા મારા હ્રદયમાં આવશે છે અને મારે આ પ્રદેશને રાજ્યનો દરજ્જો પાછો અપાવવો છે.
ફારુક અબ્દુલ્લાએ પોતે વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગેનો સવાલ હસીને ઉડાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે અમારો હેતુ આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાનો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા જમ્મુ-કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા. શ્રીનગરમાં કોંગ્રેસના કાર્યકરોને રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં આવવું તેમના માટે સૌભાગ્યની વાત છે અને જમ્મુ-કાશ્મીરના લોકો સાથે તેમનો ગાઢ સંબંધ છે. તેમણે કહ્યું, “જમ્મુ-કાશ્મીરના લોકોને મારો સંદેશ છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે છે. અમે સમજીએ છીએ કે તમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો. અમે મુશ્કેલ સમય અને હિંસાનો અંત લાવવા માંગીએ છીએ. જેમ કે મેં ‘ભારત જોડો યાત્રા’માં કહ્યું હતું – અમે સન્માન અને ભાઈચારા સાથે “નફરતના બજારમાં પ્રેમની દુકાન” ખોલવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટી અને ‘ઈન્ડિયા’ની પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરના સંપૂર્ણ રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની છે. અમને આશા હતી કે ચૂંટણી પહેલા આ થઈ જશે, પરંતુ ચૂંટણી જાહેર થઈ ગઈ. અમે આશા રાખીએ છીએ કે પૂર્ણ રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ પ્રસંગે કહ્યું હતુ કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડશે અને સમગ્ર ઘાટીમાં શાંતિ સ્થાપશે.
જમ્મુ અને કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ચૂંટણીઓ થશે. 4 જૂને મતગણતરી થશે.