નવી દિલ્હી
દિલ્હી પોલીસે ISISના મોસ્ટ વોન્ટેડ આતંકી રિઝવાનની ધરપકડ કરી છે. રિઝવાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો.રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે. રિઝવાન અને તેના સહયોગીઓએ દિલ્હીના ઘણા VIP વિસ્તારોની રેકી કરી હોવાની વિગત પોલીસને મળી છે. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ રિઝવાનની દિલ્હી-ફરીદાબાદ બોર્ડર પરથી હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ રિઝવાનના નેટવર્ક અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે.
આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું જાહેર
આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે એક ગુપ્ત માહિતીના આધારે દિલ્હી-ફરીદાબાદ બોર્ડર પર તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ગેરકાયદેસર બંદૂક મળી આવી છે. NIAએ ISIS આતંકી રિઝવાન અબ્દુલ હાજી અલી પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. એક અધિકારીએ કહ્યું કે એવી શંકા છે કે તે દિલ્હી-એનસીઆરના કેટલાક VIP પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. હાલ તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી વધુ રહસ્યો બહાર આવી શકે.