પોલેન્ડમાં PM મોદીએ કહ્યું-યુધ્ધથી કોઈ સમસ્યાનું સમાધાન થાય નહીં, શાંતિની કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પૉલેન્ડની બે દિવસની સત્તાવાર મુલાકાતના બીજા દિવસે ખૂલીને બોલ્યા હતા અને એમણે પૉલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ બંને નેતાઓનું સંયુક્ત નિવેદન આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ફરીવાર યુધ્ધ કોઈ સમસ્યા હલ કરી શકે નહીં તેમ કહીને ઇઝરાયલ અને રશિયાને મેસેજ આપ્યો હતો અને શાંતિની અપીલ કરી હતી. વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મોદીએ બિઝનેસમેનો સાથે વાત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે રશિયા યુક્રેન યુધ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુધ્ધ આપણા બધા માટે ઘેરી ચિંતાનો વિષય છે. ભારત એમ માને છે કે કોઈ પણ સમસ્યાનું સમાધાન રણભૂમિમાં મળી શકે જ નહીં. કોઈ પણ સંકટમાં નિર્દોષ લોકોના જાનની હાનિ સંપૂર્ણ માનવતા માટે સૌથી મોટો પડકાર છે . અમે હમેશા શાંતિ અને સ્થિરતાની વાત કરી છે. શાંતિ માટે ભારત દરેક સહયોગ કરવા તૈયાર છે.
કંપનીઓને આમંત્રણ
વડાપ્રધાન મોદીએ પોલેન્ડની કંપનીઓને મેક ઇન ઈન્ડિયા અભિયાનમાં જોડાઈને વિકાસમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું. એમણે કહ્યું કે ભારત અને પોલેન્ડે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવી નાખવાનો નિર્ણય લીધો છે. એમણે વધુમાં કહ્યું કે ભારત અને પૉલેન્ડ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નિકટ રહીને કામ કરી રહ્યા છે.
આતંક એક પડકાર
વડાપ્રધાને આતંકવાદ પર હુમલો કરીને કહ્યું હતું કે દુનિયા માટે આતંકવાદ એક મોટો પડકાર છે અને બધાએ સાથે મળીને તેનો સામનો કરવાનો છે અને પૉલેન્ડ તથા ભારત આ બાબતમાં પણ સાથે છે. એમણે કહ્યું કે આ એક વૈશ્વિક પડકાર છે.
પોલેન્ડના વડાપ્રધાન
દરમિયાનમાં પૉલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી એક વૈશ્વિક નેતા છે અને તેઓ પૉલેન્ડ સાથે નિકટતા રાખવા ઉત્સાહિત છે. ટસ્કે કહ્યું કે મોદી યુધ્ધ રોકવાની કોશિશ કરી રહ્યા છે અને અમે પણ એમને ટેકો આપી રહ્યા છીએ.