હિમાચલમાં વાદળ નહીં આભ ફાટ્યું છે
હિમાચલ પ્રદેશમાં મીની પ્રલય થયો હોય તેવી સ્થિતિ
હજુ અનેક લોકો દબાયા, દટાયા હોવાની ભીતિ
છેલ્લા છ દિવસથી સતત વરસતા અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં ભયાનક તબાહી સર્જાઇ છે.13મી ઓગસ્ટ સુધીમાં જ હિમાચલમાં ભૂસ્ખલનની 113 ઘટના બની હતી જેમાં 1762 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે 8,952 મકાનોને નુકસાન થયું છે રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંઘ સુખુએ રાજ્ય અને ઓછામાં ઓછું 10,000 કરોડ નુકસાન થયાનું જણાવ્યું હતું.હિમાચલના પુનઃ નિર્માણને તેમણે પહાડ જેવડો પડકાર ગણાવી જણાવ્યું હતું કે રાજ્યને ફરીથી ઊભું થવામાં એક વર્ષ નીકળી જશે.
બીજી તરફ હિમાચલ પ્રદેશ ઉપરના આફતના ઓળા હજુ પણ દૂર નથી થયા. હવામાન ખાતાએ આગામી બે દિવસ દરમિયાન પણ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. એક તરફ હિમાચલમાં પુર અને ભૂસ્ખલનને કારણે મકાનો તણાઈ ગયા છે, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા અને પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે, 800 કરતાં વધુ રસ્તાઓને નુકસાન થયું છે, 210 રસ્તા સદંતર બંધ છે ત્યારે સતત વરસતા વરસાદને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે.
દરરોજ નવા મૃતદેહો મળી રહ્યા છે
અત્યાર સુધીમાં 71 લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે પણ હજુ અનેક મકાનોના કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. શિમલામાં સમરહિલ, ફાગલી અને કૃષ્ણનગર વિસ્તારમાં અસંખ્ય મકાનો નાશ પામ્યા છે. એ વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી બચાવ કાર્ય જારી છે. શિમલાના જ પ્રખ્યાત શિવ મંદિર ના કાટમાળમાંથી અત્યાર સુધીમાં ચૌદ મૃતદેહો મળ્યા છે. જમીન દોસ્ત થઈ ગયેલા એ મંદિર હેઠળ કુલ 21 લોકો દટાયા હોવાની ભીતી છે. સમર હિલ વિસ્તારમાં થી 13 મૃત્યુ મળ્યા છે અને આઠ લોકો લાપતા થયા છે.
સીમલા- કાલકા રેલ્વે લાઈન નું ધોવાણ
સીમલા કાલકા રેલવે ટ્રેકને છ સ્થળે મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. સીમલા થી છ કિલોમીટર દૂર સમરહીલ પાસે પુલ તૂટી પડતા રેલવે ટ્રેક આકાશમાં લટકી રહ્યા છે. વરસાદ રહી જાય તે પછી પણ રેલ વહેવાર પૂર્વવત કરવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા નીકળી જશે. હિમાચલના મોટાભાગના રસ્તાઓ અને હાઇવે ઉપર પરિવહન કરી ન શકાય તે હદનું નુકસાન થયું છે. મંડી પઠાણકોટ હાઇવે પણ સદંતર બંધ છે. વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાઇ છે.
ઉતરાખંડમાં પણ આફત નો વરસાદ
બુધવારે દેહરાદુન ના વિકાસનગરમાં ભૂસ્ખલનમાં 15 ઘર નાશ પામ્યા હતા.એ વિસ્તારમાં રહેતા 16 પરિવારોના 50 સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેના આગલા દિવસે લક્ષ્મણ ઝુલા માં પણ એક પર્વત ઉપરથી રાક્ષસી ખડકો ખાબકતા એક રિસોર્ટ નો નાશ થયો હતો. એ કરુણ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે તે પૈકીના એક યુગલ અને તેમના પુત્રના મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા. મદમહેશ્વર મંદિરના રસ્તે પુલ તૂટી જતા 293 યાત્રાળુઓ છેલ્લા ચાર દિવસથી ફસાયેલા હતા. તે બધાનું બુધવારે એર લિફ્ટ કરી રેસ્ક્યુ કરાયું હતું. ઉત્તરાખંડમાં પણ અગામી 48 કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ વરસવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે.